જે દેશમાં ગયા છો, ત્યાં જ શરણ લો: બ્રિટને આપ્યો ઝટકો, હવે શું કરશે શેખ હસીના?
Bangladesh Violence : બાંગ્લાદેશ હજુ પણ હિંસાની આગમાં બળી રહ્યું છે. દેશમાં ચોથી ઓગસ્ટે હિંસા શરૂ થયા બાદ વડાંપ્રધાન શેખ હસીના (Sheikh Hasina)એ પદ પરથી રાજીનામું આપી, દેશ છોડી ભારત (India)માં આશ્રય લેવાની ફરજ પડી છે. ભારતમાં આવ્યા બાદ હસીના કેટલાક કારણોસર બ્રિટન (Britain) જવા માંગતા હતા, જોકે બ્રિટને કેટલાક નિયમોનો ઉલ્લેખ કરી તેમને આશ્રય આપવાનો ઈન્કાર કરી દીધો છે.
બ્રિટને હસીનાને આશરા માટે ન આપી મંજૂરી
બ્રિટને કહ્યું કે, અમારા ઈમિગ્રેશન નિયમો કોઈ વ્યક્તિને આશ્રય લેવા માટે આવવા અથવા કામચલાઉ રહેઠાણ માટે મંજૂરી આપતો નથી. બ્રિટિશ ગૃહ મંત્રાલયે એવું પણ કહ્યું છે કે, કોઈ વ્યક્તિ જે દેશમાં સૌથી પહેલા સુરક્ષીત પહોંચ્યો હોય, ત્યાં જ તેમણે આશ્રય માંગવો જોઈએ.
આ પણ વાંચો : પહેલા માલદીવ અને હવે બાંગ્લાદેશ, ભારતની આસપાસ દુશ્મન દેશો ઊભા કરવાની ચીનની ચાલ
બ્રિટને આંતરરાષ્ટ્રીય નિયમોનો હવાલો આપ્યો
બ્રિટિશ ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ જો કોઈને સુરક્ષા જોઈતી હોય તો તેઓ જ્યાં પહેલાં પહોંચ્યા હોય, ત્યાં આશ્રય લેવો જોઈએ. જોકે હજુ એ સ્પષ્ટ નથી થયું કે, બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાને બ્રિટન પાસે આશ્રય માંગ્યો છે કે નહીં. હિંસામાં દેશ ભડકે બળ્યા બાદ શેખ હસીનાને રાજીનામું આપ્યા બાદ સોમવારે દેશ છોડવો પડ્યો હતો.
બાંગ્લાદેશમાં વિવાદ અને હિંસાનું કારણ શું છે ?
ઉલ્લેખનીય છે કે, 1971માં બાંગ્લાદેશની આઝાદી માટે પાકિસ્તાનના લશ્કર સામે લડનારા શેખ મુજીબુર રહેમાનની આર્મીના સૈનિકોનાં સગાં માટે સરકારી નોકરીઓમાં 30 ટકા બેઠકો 1972થી અનામત હતી. 2018માં શેખ હસીનાની સરકારે આ અનામત રદ કર હતી પણ જૂન મહિને હાઈકોર્ટે ફરી અનામત લાગુ કરવા આદેશ આપતાં જ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદાને રદ કરીને સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટેની અનામતને ઘટાડીને પાંચ ટકા કરી દીધી અને બાકીની બધી કેટેગરી માટેની અનામત માત્ર બે ટકા કરીને 93 ટકા જગાઓ મેરિટથી ભરવાનો આદેશ આપ્યા બાદ દેખાવકારો ઠંડા પડયા હતા, જોકે હવે આ મામલો રાજકીય બની ગયો છે. બાંગ્લાદેશમાં ચોથી ઓગસ્ટથી ફરી હિંસા શરૂ થઈ છે, જેના કારણે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને દેશ છોડી દેવો પડ્યો છે અને તેમણે ભારતમાં આશ્રમ લેવાની નોબત આવી છે. હિંસાની વાત કરીએ તો આ હિંસામાં અત્યાર સુધીમાં 300થી વધુના મોત થયા છે.
આ પણ વાંચો : શું શેખ હસીનાને પ્રદર્શનકારીઓની રઝાકારો સાથે સરખામણી કરવી ભારે પડી ? જાણો કોણ હતા રઝાકારો
શેખ હસીનાએ હવે જશે તો ક્યાં જશે
જો શેખ હસીનાને બ્રિટનમાં આશ્રય નહીં મળે તો તેમણે બીજા કોઈ દેશમાં જવું પડશે. જ્યાં સુધી અન્ય દેશની મંજૂર ન મળે ત્યાં સુધી તેમણે ભારતમાં જ રહેવું પડશે. સૂત્રોનું કહેવું છે કે, ભારતીય એજન્સીઓ પણ ઇચ્છે છે કે શેખ હસીના અહીં વધુ સમય સુધી ન રોકાય, કારણ કે તેમના અહીં રહેવાથી બાંગ્લાદેશમાં ભારત વિરુદ્ધ વાતાવરણ ઉભી થઈ શકે છે. ભારત માટે બાંગ્લાદેશ સાથે સારા સંબંધો જાળવવા જરૂરી છે, કારણ કે પાકિસ્તાની એજન્સીઓ ત્યાં વર્ચસ્વ જમાવી શકે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર શેખ હસીનાને ભારતમાં રાખી ઢાકા સાથેના સંબંધો બગાડવા નહીં માંગે.
આ પણ વાંચો : કોણ છે શેખ રેહાના, જેમની સાથે શેખ હસીનાએ ભારતમાં શરણ લીધી છે