બાંગ્લાદેશમાં હિંસાને લઈ વડાપ્રધાન મોદીની હાઈલેવલની બેઠક, શેખ હસીના હાલ સેફ હાઉસમાં
Bangladesh Violence : બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે વડાંપ્રધાન શેખ હસીના પદ પરથી રાજીનામું દેશ છોડી દીધો છે અને હવે તેઓ સેનાના વિશેષ હેલિકોપ્ટરથી ભારત આવી ગયા છે. હાલ તેઓ હિંડનમાં સેફ હાઉસની અંદર છે. તો બીજીતરફ બાંગ્લાદેશની હિંસા અંગે વડાપ્રધાન કાર્યાલયમાં પણ મોટી બેઠક યોજાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ, વિદેશમંત્રી એસ.જયશંકર અને એનએસએ અજિત ડોભાલ ઉપસ્થિત છે. જોકે આ બેઠકમાં શું ચર્ચા ચાલી રહી છે, તેની વિગત સામે આવી નથી.
...ત્યાં સુધી શેખ હસીના ભારતમાં જ રોકાશે
એવા પણ અહેવાલો સામે આવ્યો છે કે, શેખ હસીના આજે રાત્રે લંડન રવાના થઈ શકે છે. જો બ્રિટેન તેમને આશરો નહીં આપે તો તેઓ ફિનલેન્ડ અથવા સ્વિત્ઝરલેન્ડ પણ જઈ શકે છે. જ્યાં સુધી અન્ય દેશમાં રાજકીય આશરો નહીં મળે, ત્યાં સુધી તેઓ ભારતમાં જ રોકાશે. જોકે બ્રિટન તરફથી આશરો આપવા અંગેના કોઈ સ્પષ્ટતા સામે આવી નથી.
બેઠકમાં શેખ હસીનાને આશરો આપવા અંગે ચર્ચા?
સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન કાર્યાલયમાં ચાલી રહેલી બેઠકમાં સંભવતઃ બાંગ્લાદેશની હિંસા અને પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ભારતમાં આશરો આપવા અંગે ચર્ચા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં અનામત મામલે ગઈકાલથી દેશભરમાં હિંસા ચાલી રહી છે. દેખાવકારોએ હસીનાના નિવાસસ્થાને હુમલો કર્યા બાદ તેમણે વડાંપ્રધાન પદેથી રાજીનામી આપી દેવું પડ્યું છે અને દેશમાં હાલ સૈન્ય શાસન લાગુ કરી દેવાયું છે. હિંસામાં અત્યાર સુધીમાં 19 પોલીસ જવાનો સહિત 100થી વધુ લોકોના મોત થયા છે.
આ પણ વાંચો : શેખ હસીનાના બેડરૂમમાં ઘૂસ્યું ટોળું, ગૃહ મંત્રીના ઘરમાં પણ તોડફોડ અને લૂંટફાટ
ભારત-બાંગ્લાદેશની સરહદ પર એલર્ટ
બીજી તરફ હિંસાને પગલે ભારત-બાંગ્લાદેશ સરહદ પર પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેઘાલયે પણ બાંગ્લાદેશને અડીને આવેલી સરહદ પર નાઈટ કર્ફ્યૂ લાદી દીધો છે. મેઘાલયના નાયબ મુખ્યમંત્રી પ્રેસ્ટન ટાયન્સોંગે આજે (5 ઓગસ્ટ) જણાવ્યું કે, રાજ્ય સરકારે પાડોશી દેશમાં અશાંતિ વચ્ચે બાંગ્લાદેશ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. હિંસા બાદ દિલ્હી પોલીસના જવાનોને નવી દિલ્હીના ચાણક્યપુરીમાં બાંગ્લાદેશ હાઈ મિશનની સામે કડક સુરક્ષા હેઠળ તૈનાત કરાયા છે.
રાહુલ ગાંધીએ બાંગ્લાદેશની સ્થિતિને લઈ ચિંતા વ્યક્ત કરી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ બાંગ્લાદેશની સ્થિતિને લઈને ચિંતિત છે. લોકસભાની કાર્યવાહી પૂરી થયા બાદ તેઓ વિદેશ મંત્રી એસ.જયશંકરને મળ્યા હતા. તેમને શેખ હસીના વિશે પૂછ્યું. તેઓ આવી ગયા છે કે કેમ, તે જાણવાનો પ્રયાસ કર્યોહતો. તેમણે બાંગ્લાદેશની સ્થિતિ અંગે પણ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન તેમણે લગભગ ત્રણ-ચાર પ્રશ્નો પૂછ્યા હતા. જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારત સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને યોગ્ય સમયે વિગતો સત્તાવાર રીતે જણાવવામાં આવશે.
આ પણ વાંચો : શેખ હસીનાના પિતા સહિત 18ની થઈ હતી હત્યા, ત્યારે ઇન્દિરા ગાંધીએ ભારતમાં આશરો આપ્યો હતો