પહેલા ગળુ દબાવી હત્યા કરી અને પછી મૃતદેહના ટૂકડા કરી ફ્રીઝરમાં રાખ્યા, બાંગ્લાદેશના સાંસદની હત્યામાં મોટો ખુલાસો
Image Source: Twitter
Bangladesh MP Anwarul Azim Murder Case: બાંગ્લાદેશના સાંસદ અનવારૂલ અઝીમની હત્યામાં એક પછી એક અનેક મોટા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલે કોલકાતા પોલીસે જણાવ્યું કે, બાંગ્લાદેશ અવામી લીગના સાંસદ અનવારૂલ અઝીમની 13 મેના રોજ ન્યૂટાઉન ફ્લેટમાં ગળું દબાવીને હત્યા કર્યા બાદ આરોપીઓએ મૃતદેહને સડી જવાથી બચાવવા માટે તેના ઘણા ટુકડા કરી નાખ્યા હતા. ત્યારબાદ આ ટુકડાઓને ખાસ ફ્રીઝરમાં રાખવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આરોપીઓએ 14 મે, 15 મે અને 18 મેના રોજ સાંસદના મૃતદેહના ટૂકડાને ત્રણ દિવસ સુધી અલગ-અલગ ઠેકાણે ફેંકી દીધા હતા. આ ટૂકડા ફેંકવા માટે બે લોકો કામે લાગ્યા હતા. જોકે, લાશના ટુકડા ક્યાં ફેંકવામાં આવ્યા તે અંગે પોલીસને હજું સુધી કોઈ માહિતી નથી મળી.
બાંગ્લાદેશના ગૃહમંત્રીએ બુધવારે કહ્યું કે બાંગ્લાદેશ પોલીસે આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી છે. અત્યાર સુધી અમને જાણવા મળ્યું છે કે સંડોવાયેલા તમામ હત્યારા બાંગ્લાદેશી છે. આ એક આયોજનબદ્ધ હત્યા હતી. અમે ટૂંક સમયમાં હત્યાનું કારણ જણાવીશું. ભારતીય પોલીસ આપણને સહકાર આપી રહી છે.