ભારતે ‘વિજય દિવસ’ની ઉજવણી કરતા બાંગ્લાદેશ ભડક્યું! PM મોદીની પોસ્ટ પર કરી વિવાદિત ટિપ્પણી
Bangladesh Law Adviser Condemns PM Modi post: બાંગ્લાદેશમાં ભારતને લઈને નકારાત્મક મોહોલ જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના કાયદા સલાહકાર આસિફ નઝરુલે વિજય દિવસ (16મી ડિસેમ્બર)ના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ સામે વાંધો ઊઠાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, '16મી ડિસેમ્બર, 1971, બાંગ્લાદેશનો વિજય દિવસ હતો. ભારત આમાં સહયોગી હતું, તેનાથી વધુ કંઈ નહીં.'
પીએમ મોદીએ વિજય દિવસની પોસ્ટ કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16મી ડિસેમ્બરે વિજય દિવસના અવસર પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું હતું કે, 'આજે વિજય દિવસ પર, અમે તે બહાદુર સૈનિકોની હિંમત અને બલિદાનનું સન્માન કરીએ છીએ જેમણે 1971માં ભારતની ઐતિહાસિક જીતમાં યોગદાન આપ્યું હતું. તેમનું નિઃસ્વાર્થ સમર્પણ અને અતૂટ સંકલ્પ આજનો દિવસ છે. તેમની બહાદુરી અને અડગ ભાવનાને શ્રદ્ધાંજલિ છે જે દેશની રક્ષા કરે છે અને આપણને ગર્વ આપે છે.'
વડાપ્રધાન મોદીની આ પોસ્ટ ભારતના જવાનોના બલિદાનની યાદ અપાવે છે, પરંતુ બાંગ્લાદેશની વચગાળાની સરકારના કાયદા સલાહકાર આસિફ નઝરુલે આ પોસ્ટ સામે વાંધો ઊઠાવ્યો છે. તેમણે ફેસબુક પર લખ્યું કે, 'હું પીએમ મોદીની પોસ્ટનો સખત વિરોધ કરું છું. 16મી ડિસેમ્બર 1971 એ બાંગ્લાદેશનો વિજય દિવસ હતો. આ જીતમાં ભારત સહયોગી હતું, તેનાથી વધુ કંઈ નહોતું.'
આ પોસ્ટ સાથે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વડાપ્રધાન મોદીની પોસ્ટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.
આ પણ વાંચો: મહાયુતિમાં મહાસંકટ: શિંદે, પવાર અને ફડણવીસની ચિંતા વધી, નારાજ નેતાઓ નવાજૂની કરશે?
બાંગ્લાદેશ ભારતથી અંતર જાળવીને પાકિસ્તાન સાથે પોતાના સંબંધોને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એવું લાગે છે કે નવું બાંગ્લાદેશ એ ઐતિહાસિક તથ્યોને ભૂલી રહ્યું છે જેમાં 1971ના યુદ્ધમાં ભારતે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ એ જ સમય હતો જ્યારે બાંગ્લાદેશે પાકિસ્તાનના અત્યાચારોથી મુક્ત થઈને આઝાદી મેળવી હતી.