હિન્દુઓ પર અત્યાચાર કરનારા પર કાર્યવાહી કરશે બાંગ્લાદેશ, ભારતના વિદેશ સચિવે આપી માહિતી
Bangladesh Violence : બાંગ્લાદેશમાં હિન્દુઓ અને લઘુમતી સમુદાય વિરૂદ્ધ ચાલી રહેલી હિંસા વચ્ચે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી બાંગ્લાદેશની મુલાકાતે ગયા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે બાંગ્લાદેશ સમક્ષ હિન્દુઓની સુરક્ષા સહિત અન્ય મુદ્દાઓ પર દ્વિ-પક્ષીય ચર્ચા કરી હતી. હવે બાંગ્લાદેશથી પરત આવ્યા પછી વિક્રમ મિસરીએ વિદેશી મામલાઓ સાથે જોડાયેલી સ્થાયી સંસદીય સમિતિને જણાવ્યું કે, બાંગ્લાદેશે હિન્દુઓ સહિતના અન્ય લઘુમતી સમુદાયો વિરૂદ્ધ થતી હિંસાના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે.
વિદેશ સચિવે સમિતિમાં આપ્યા જવાબ
સમિતિ બાદ થરૂરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, 'વિદેશ સચિવ બાંગ્લાદેશથી ભારત પરત ફર્યા છે. યાત્રાથી પરત ફર્યા બાદ મિસરીએ સંસદીય સમિતિ સમક્ષ બાંગ્લાદેશના અધિકારીઓ સાથે થયેલી ચર્ચાની સંપૂર્ણ વિગતો આપી હતી. સમિતિમાં 21થી 22 સાંસદોએ ભાગ લઇ બાંગ્લાદેશની સ્થિતિ અંગે સવાલો કર્યા હતા અને વિદેશ સચિવે વિસ્તારપૂર્વક જવાબ આપ્યા હતા.'
હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો
સૂત્રોના જણાવ્યાનુસાર, કેટલાક સાંસદોએ મિસરીને બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના ભારતમાં શરણની સ્થિતિ વિશે પૂછ્યું હતું. જો કે, મિસરીએ પ્રશ્નોના શું જવાબ આપ્યા તે અત્યાર સુધી જાણી શકાયું નથી. નોંધનીય છે કે, મિસરીએ સોમવારે (9 ડિસેમ્બર) બાંગ્લાદેશના વિદેશ સચિવ સાથે બેઠક દરમિયાન બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતી અત્યાચારની 'ચિંતાજનક ઘટનાઓ'નો મુદ્દો ઉઠાવ્યો હતો.
ભારત-બાંગ્લાદેશ વચ્ચે તણાવ વધ્યો
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા અને હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ તાજેતરના અઠવાડિયામાં બંને દેશો વચ્ચેના સંબંધો વધુ વણસ્યા છે. ત્રિપુરાના અગરતલામાં બાંગ્લાદેશના સબ હાઈ કમિશનમાં બળજબરીથી ઘૂસેલા વિરોધીઓના મુદ્દાએ પણ બંને દેશો વચ્ચેના સંબંધોને અસર કરી હતી. છેલ્લા કેટલાક અઠવાડિયામાં પાડોશી દેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓ તેમજ મંદિરો પર હુમલાની ઘટનાઓ બની છે. ભારતે આ ઘટનાઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ હિન્દુઓ પર અત્યાચાર છતાં ભારત પાસે બાંગ્લાદેશ રાહતની માગણી કરી રહ્યું છે