શેખ હસીનાને પાછા મોકલો, અમારે કેસ ચલાવવો છે: બાંગ્લાદેશ સરકારનો ભારતને પત્ર
Sheikh Haseena Extradition: બાંગ્લાદેશે ભારતને પત્ર લખીને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગણી કરી છે. બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈને જણાવ્યું હતું કે, અમે ભારત સરકારને અપીલ કરી છે કે બાંગ્લાદેશ સરકાર શેખ હસીના ન્યાયિક પ્રક્રિયા માટે બાંગ્લાદેશ પરત ફરે તેવુ ઈચ્છે છે.
સોમવારે જ ગૃહ બાબતોના સલાહકાર જહાંગીર આલમે જણાવ્યું હતું કે ‘અમારા મંત્રાલયે વિદેશ મંત્રાલયને પત્ર લખીને ભારતમાંથી પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાને પરત લાવવાની માંગ કરી છે. બાંગ્લાદેશનું વિદેશ મંત્રાલય ભારત પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે.’
બાંગ્લાદેશની માગ
ભારત અને બાંગ્લાદેશની સરકારો વચ્ચે 2013માં પ્રત્યાર્પણ સંબંધિત સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જે હેઠળ ભારત વચ્ચે 'પ્રત્યાર્પણપાત્ર ગુનાના કેસોમાં' આરોપી અથવા ભાગેડુ આરોપીઓ અને કેદીઓને એકબીજાને સોંપવાનો કરાર થયો હતો. બાંગ્લાદેશ સરકારે કહ્યું કે, ‘આ સંધિ હેઠળ અમે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી રહી છે. જો કે, આ પ્રત્યાર્પણ સંધિની એક કલમ જણાવે છે કે જો પ્રત્યાર્પણ કરવાની અપીલ એવી વ્યક્તિ માટે કરવામાં આવી હોય કે, જેના આરોપો રાજકીય પ્રકૃતિના હોય, તો અપીલ નકારી શકાય.’
આ ગુના માટે પ્રત્યાર્પણની માગ કરી શકાય
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રત્યાર્પણ સંધિ રાજકીય કેસ સિવાય ગુનાઓમાં સામેલ વ્યક્તિઓના પ્રત્યાર્પણની મંજૂરી આપે છે. આ ગુનાઓમાં આતંકવાદ, બોમ્બ બ્લાસ્ટ, હત્યા અને ગુમ થવા જેવા ગુનાઓ સામેલ હતા. જોકે, બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીના પર સામૂહિક હત્યા, લૂંટ અને બનાવટના આરોપો લગાવવામાં આવ્યા છે. આ સિવાય બાંગ્લાદેશના એક કમિશને પણ તેના પર લોકોને ગાયબ કરવાનો આરોપ લગાવ્યો છે. 'અનફોલ્ડિંગ ધ ટ્રુથ' નામના આ રિપોર્ટમાં શેખ હસીના પર બાંગ્લાદેશના કેટલાક મહત્વપૂર્ણ લોકોને ગાયબ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.