મોહમ્મદ યૂનુસે બાંગ્લાદેશના હિન્દુઓની સુરક્ષાની ખાતરી આપી, PM મોદી સાથે ફોન પર કરી વાત
Bangladesh Violence News : બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા થયા બાદ હિન્દુઓની સુરક્ષા અંગે ભારતીયો ચિંતિત હતા, જોકે હવે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસે મહત્વનો સંદેશ મોકલ્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન વાત કરી છે અને બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની સુરક્ષાનો ભારતને વિશ્વાસ આપ્યો છે. આ અંગે વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને માહિતી આપી છે.
બંને નેતાઓ વચ્ચે બાંગ્લાદેશની સ્થિતિ અંગે થઈ ચર્ચા
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું છે કે, ‘બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસનો ફોન આવ્યો હતો. તેમણે મારી સાથે બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ભારતે પણ બાંગ્લાદેશની લોકશાહી, સ્થિરતા, શાંતિ અને પ્રગતિ માટે સમર્થન આપ્યું છે. તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને લઘુમતીઓની સુરક્ષાની ખાતરી આપી છે.’
મોદીએ બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનું પતન થયા બાદ મોહમ્મદ યૂનુસે આઠમી ઓગસ્ટે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે શપથ લીધા છે. વડાપ્રધાન મોદીએ પણ યૂનુસને કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતી સમાજના લોકોની સુરક્ષા કરવા આહવાહન કર્યું હતું.
બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા
શેખ હસીના સરકારનું પતન થયા બાદ બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ સમાજના લોકો વિરુદ્ધ હિંસા વધી છે. બાંગ્લાદેશમાં નોકરિઓમાં અનામતનો ભારે વિરોધ બાદ ઠેર-ઠેર હિંસા થઈ હતી. આ આંદોલનમાં લાખો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. હિંસાના કારણે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેવું પડ્યું હતું અને તેઓ દેશ છોડીને પાંચમી ઓગસ્ટે ભારત આવી ગયા હતા.
48 જિલ્લામાં 278 સ્થળો પર હુમલા અને ધમકી
બાંગ્લાદેશ નેશનલ હિન્દુ ગ્રેડ અલાયન્સ નામના એક બિન-રાજકીય હિન્દુ સંગઠને દાવો કર્યો છે કે, શેખ હસીના સરકારનું પાંચમી ઓગસ્ટે પતન થયા બાદ લઘુમતી સમાજના લોકો પર હુમલો થઈ રહ્યા છે. દેશના 48 જિલ્લામાં 278 સ્થળો પર લઘુમતી સમાજના લોકોએ હુમલા અને ધમકીઓનો સામનો કરવો પડ્યો છે. સંગઠને આ ઘટનાઓને ‘હિન્દુ ધર્મ પર હુમલો’ કહ્યો છે.