વડાપ્રધાન મોદીએ શેખ હસીના સાથે ફોન પર કરી વાત, પ્રચંડ જીત પર પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પણ જીત બાદ ભારતને ગાઢ મિત્ર ગણાવી
શેખ હસીનાની પાર્ટી અવામી લીગે સંસદની 300 બેઠકોમાંથી 223 પર જીત મેળવી
PM Modi Congratulates Sheikh Hasina : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને સામાન્ય ચૂંટણીમાં પ્રચંડ જીત બદલ શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે, ભારત બાંગ્લાદેશ સાથે તેની સ્થાયી અને લોકોની સુખાકારી આધારીત ભાગીદારીને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. વડાપ્રધાન શેખ હસીનાએ પણ જીત બાદ ભારતને ગાઢ મિત્ર ગણાવી કહ્યું કે, બંને પડોશીઓએ દ્વિપક્ષીય રૂપે ઘણી સમસ્યાઓનું સમાધાન કર્યું છે.
PM મોદીએ શેખ હસીનાને પાઠવ્યા અભિનંદન
વડાપ્રધાન મોદીએ ટ્વિટર એક્સ પર પોસ્ટમાં કહ્યું કે, ‘મેં વડાપ્રધાન શેખ હસીના સાથે વાત કરી અને સંસદીય ચૂંટણીમાં સતત ચોથી વખત ઐતિહાસિક જીત મેળવવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા. હું બાંગ્લાદેશના લોકોને પણ સફળ ચૂંટણી માટે અભિનંદન પાઠવું છું. અમે બાંગ્લાદેશ સાથે અમારી સ્થાયી અને જન-કેન્દ્રીય ભાગીદારીને વધુ મજબુત કરવા પ્રતિબદ્ધ છીએ. ’
બાંગ્લાદેશની ચૂંટણી પરિણામની સ્થિતિ
બાંગ્લાદેશમાં 7 જાન્યુઆરી રવિવારે સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાયું હતું, જેમાં શેખ હસીનાના નેતૃત્વ હેઠળની આવામી લીગ પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે. મુખ્ય વિપક્ષી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી અને તેની સહયોગીઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. અહેવાલો મુજબ અવામી લીગે સંસદની 300 બેઠકોમાંથી 223 પર જીત મેળવી છે. એક ઉમેદવારના નિધનને કારણે 299 બેઠકો પર મતદાન થયું હતું.