શેખ હસીના બ્રિટન સહિત પાંચ દેશમાં શરણ લઈ શકે છે, તેમાં બે મુસ્લિમ દેશ પણ સામેલ... તો પછી મુશ્કેલી ક્યાં છે?
Bangladesh Crisis News : બાંગ્લાદેશમાં હિંસા બાદ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડનાર શેખ હસીના (Sheikh Hasina) હાલ ભારતમાં આશ્રય લઈ રહ્યા છે. બીજીતરફ ભારત-બાંગ્લાદેશ સરહદ (India-Bangladesh Border)ની સ્થિતિ સહિતની બાબતોના કારણે શેખ હસીના અન્ય દેશોમાં આશ્રય લેવા માટે પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ પશ્ચિમી દેશો તેમને આશ્રય આપવા માટે ખટકાટ અનુભવી રહ્યા છે. પહેલા તેમણે અમેરિકા અથવા બ્રિટનમાં જવા માટે પ્રયાસ કર્યા હતા, જોકે આ બંને દેશોમાં નહીંવત સંભાવના દેખાયા બાદ હવે તેઓ અન્ય દેશો પાંચ દેશોના વિકલ્પો પર વિચારણા કરી રહ્યા હોય તેવા અહેવાલો સામે આવ્યા છે.
અમેરિકા-બ્રિટનથી ગ્રીન સિગ્ન ન મળતા હવે આ ત્રણ દેશો પર નજર
શેખ હસીનાએ ભારતમાં આવ્યા બાદ એવી અટકળો સામે આવી હતી કે, તેઓ અહીંથી લંડન અથવા અમેરિકામાં આશ્રય લઈ શકે છે, જોકે આ બંને દેશો તરફથી હજુ સુધી ગ્રીન સિગ્નલ મળ્યું નથી, ત્યારે હવે તેઓ રશિયા, બેલારૂસ અથવા કતાર તરફ પણ મીટ માંડીને બેઠા છે. એવું કહેવાય છે કે, તેમના રશિયા સાથે મજબૂત સંબંધો છે, તો બેલારૂસમાં તેમના ભત્રીજા રહે છે. આ ઉપરાંત તેમના કતાર સાથે પણ રાજદ્વારી સંબંધો છે, તેથી હવે તેઓ આ ત્રણ દેશોમાંથી કોઈ એક દેશમાં આશ્રય મેળવવા માટે વિચારણા કરી રહ્યા છે.
આ પણ વાંચો : ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર સ્થિતિ બગડી, હજારો લોકોનો ઘૂસણખોરી કરવાનો પ્રયાસ, સેના તહેનાત
શેખ હસીનાના રશિયા સાથે મજબૂત સંબંધ
બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાનના રશિયા સાથે મજબૂત સંબંધો છે, તેથી એવું લાગી રહ્યું છે કે, પ્રયાસો કર્યા બાદ તેઓ ત્યાં જઈ શકે છે, પરંતુ જો તેઓ રશિયા જશે તો તેમને ભવિષ્યમાં ઘણી મુશ્કેલી પડી શકે છે. રશિયા સાથે ઘણા દેશોના સંબંધો સારા નથી. અમેરિકા અને યુરોપે રશિયા પર ઘણા પ્રતિબંધો લગાવ્યા છે. આ કારણોસર અમેરિકાના રહેતા પુત્ર અને યૂનાઈટેડ કિંગ્ડમથી લઈને ફિનલેન્ડમાં રહેતા તેમના સંબંધીઓ સાથે તેમનો સંપર્ક તૂટી શકે છે.
બ્રિટનની આનાકાની બાદ બેલારુસ પર પણ નજર
શેખ હસીના પાસે રશિયા ઉપરાંત બેલારુસમાં પણ આશ્રય લેવાનો વિકલ્પ હોઈ શકે છે. અહેવાલો મુજબ તેઓ બેલારૂસમાં આશ્રય લેવા માટે સંભવિત ગંતવ્ય સ્થળ માની રહ્યા છે. સંકેત મુજબ તેઓ ભારતમાં ટુંકો આશ્રય લીધા બાદ બેલારુસ જઈ શકે છે. ત્યાં તેમનો ભત્રીજો પણ રહે છે. આ વિકલ્પ ત્યારે સામે આવ્યો છે જ્યારે બ્રિટને આશ્રય આપવામાં આનાકાની કરી છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર ગુરૂવારે શપથ લેશે: આર્મી ચીફે આપી જાણકારી
હસીના માટે સૌથી સરળ આશ્રય પ્રક્રિયા કતારમાં
કતર બાંગ્લાદેશ સાથે સારા રાજદ્વારી સંબંધો જાળવી રાખે છે, જે હસીના માટે આશ્રયની પ્રક્રિયાને સરળ બનાવી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે, કતર રાજકીય વ્યક્તિઓને આશ્રય આપવાનો ઇતિહાસ ધરાવે છે, તેથી આ દેશ હસીના માટે યોગ્ય વિકલ્પ હોઈ શકે છે.