'બાંગ્લાદેશમાંથી લોકોને ગુમ કરવા પાછળ ભારતનો હાથ...' યુનુસ સરકારના આક્ષેપોથી ખળભળાટ
Bangladesh: બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની આગેવાનીવાળી વચગાળાની સરકારનો બીજો એક ભારત વિરોધી ચહેરો સામે આવ્યો છે. વચગાળાની સરકાર તરફથી બનાવવામાં આવેલા તપાસ આયોગે આરોપ લગાવ્યો કે, પદભ્રષ્ટ વડાંપ્રધાન હસીનાના શાસન દરમિયાન લોકોને જબરદસ્તી ગાયબ કરવાની ઘટના પાછળ ભારતનો હાથ છે. બાંગ્લાદેશની સરકારી એજન્સીના અહેવાલ અનુસાર, તપાસ આયોગ દ્વારા તપાસમાં જબરદસ્તી ગાયબ કરવાની ઘટનામાં ભારતની સંડોવણી સામે આવી છે.
સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશ મૈનુલ ઇસ્લામ ચૌધરીની અધ્યક્ષતાવાળા પાંચ સભ્યોના આયોગનું કહેવું છે કે, સરકારી એજન્સીઓમાં એવી ધારણા બનેલી છે કે, અમુક કેદી હજુ સુધી ભારતીય જેલોમાં બંધ હોઈ શકે. અમે વિદેશ અને ગૃહ મંત્રાલયને સલાહ આપી કે, ભારતમાં કેદ કોઈપણ બાંગ્લાદેશી નાગરિકની ઓળખ માટે પોતાનો સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરે. બાંગ્લાદેશની બહાર આ મામલે તપાસ કરવી આયોગના અધિકાર ક્ષેત્રની બહાર છે.
આ પણ વાંચોઃ આંબેડકરના અપમાન વિરુદ્ધ કોંગ્રેસની દેશવ્યાપી આંદોલનની જાહેરાત, દરેક જિલ્લામાં રેલી કાઢશે
ભારતની જેલમાંથી મળ્યાં બાંગ્લાદેશના બે કેદી
આયોગે કહ્યું કે, અમને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કેદીઓના આદાન-પ્રદાન અને તેમના ભવિષ્ય વિશે ગુપ્ત જાણકારી મળી છે. આયોગે બે પ્રચારિત મામલાને ટાંક્યા, જેનાથી કથિત રીતે આ વાતની જાણ થાય છે કે આ પ્રકારના ઓપરેશન કેવી રીતે કરવામાં આવે છે. એક મામલો શુક્રરંજન બાલીનો હતો, જેનું બાંગ્લાદેશના સુપ્રીમ કોર્ટ પરિસરથી અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તે ભારતીય જેલમાં જોવા મળ્યો હતો. બીજો મામલો બાંગ્લાદેશના નેશનલિસ્ટ પાર્ટીના નેતા સલાહુદ્દીન અહેમદનો હતો. અહેમદનો આ મામલો બાંગ્લાદેશ અને ભારતની વચ્ચે અદલા-બદલી પ્રણાલીનું એક ઉદાહરણ છે.
બાંગ્લાદેશમાં એક પુજારીની હત્યા
બાંગ્લાદેશમાં હિન્દુઓ સામે થતાં અત્યાચારનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. દિનાજપુર જિલ્લાના કાસિમપુરા વિસ્તારમાં એક પુજારીની હત્યા કરવામાં આવી હતી. કાસિમપુરા સ્મશાન ઘાટ સ્થિત મંદિરમાં લૂંટ કરી ગુનેગારોએ ત્યાં સેવા કરનાર તરૂણ ચંદ્ર દાસની હત્યા કરી દીધી હતી. પોલીસનું માનવું છે કે, આ ઘટના ગત શુક્રવાર રાતની છે. મૃતક પુજારી તરૂણ ચંદ્ર દાસ નાટોરે શહેરના અલીપુર ધોપાપારા મહોલ્લા નિવાસી કાલીપદ દાસના પુત્ર હતાં.
મહાસ્મશાન સમિતિના મહાસચિવ સત્ય નારાયણ રાયે જણાવ્યું કે, શનિવારે સવારે મહાસ્મશાન મંદિરના સભ્ય અંતિમ સંસ્કાર ગૃહ ગયા તો ત્યાં સેવાદારનો મૃતદેહ મળ્યો. તેમના હાથ-પગ બંધાયેલા હતાં. તે લગભગ 23 વર્ષથી મંદિરના પ્રભારી હતાં. સત્ય નારાયણ રાયે જણાવ્યું કે, મંદિરના દાનપાત્ર અને ભંડાર કક્ષના તાળા તૂટેલા હતાં. આશંકા છે કે, લૂંટારાઓએ પૂજારીની હત્યા કરી દીધી અને મંદિરના પૈસા તેમજ પિત્તળના વાસણો લૂંટી લીધાં.
મંદિરના પૂજારી તરૂણ ચંદ્ર દાસની નિર્દયતાથી હત્યા
ઇસ્કોન કોલકાતાના સ્મશાન ઘાટ મંદિરમાં બાંગ્લાદેશી કટ્ટરવાદીઓ દ્વારા હિન્દુ પુજારીની હત્યાની નિંદા કરી અને વચગાળાની સરકાર પર ધાર્મિક અલ્પસંખ્યકોની રક્ષા કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે. ઇસ્કોન કોલકાતાના પ્રવક્તા રાધારમણ દાસે એક્સ પર વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું કે, સ્મશાનમાં સ્થિત મંદિર પર હુમલા વિશે સાંભળીને સ્તબ્ધ છું. કિંમતી સામાન લૂંટવામાં આવ્યો અને મંદિરના પુજારી તરૂણ ચંદ્ર દાસની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી.