આ વખતે ઘણી ખાસ હશે પ્રજાસત્તાક દિવસની પરેડ, બાંગ્લાદેશના જવાન પણ થશે સામેલ
નવી દિલ્હી, તા. 03 જાન્યુઆરી 2021, રવિવાર
આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડ ઘણી જ ખાસ થવા જઈ રહી છે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડના માર્ચિંગ સ્કોર્ડમાં બાંગ્લાદેશના સૈનિકો પણ સામેલ થશે. બાંગ્લાદેશની સુવર્ણ જયંતી અને 1971માં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધમાં ભારતીય સેનાની જીતના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવા માટે બાંગ્લાદેશી સૈન્ય દળને આમંત્રિત કરવામાં આવ્યા હતા. બાંગ્લાદેશના જવાન આ આમંત્રણ પર ભારત આવી રહ્યાં છે.
ઉલ્લેખનિય છે કે, વર્ષ 1971માં ભારતીય સેનાના રણબાંકુરોએ સૈન્ય ઈતિહાસના સૌથી ઝડપી અને નાના પરંતુ વૈશ્વિક સ્તરે અમિટ છાપ છોડનારા અભિયાનને અંજામ આપ્યો હતો. ભારતીય સેનાના યુદ્ધના વીરોના પરાક્રમના પરિણામ સ્વરૂપ બાંગ્લાદેશ તરીકે એક નવા રાષ્ટ્રનો જન્મ થયો હતો. સન 1971ની લડાઈમાં ભારતીય સેના સામે તત્કાલિન પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ આમિર અબ્દુલ્લાહ ખાન નિયાજીની સાથે સાથે 93 હજાર જવાનોએ ઘુંટણ ટેક્યા હતા. આ ભારતીય સેનાની ઐતિહાસિક જીત હતી.