બાંગ્લાદેશમાં ભારત વિરોધી દેખાવો, ઢાકામાં ભારતીય ઉચ્ચાયોગ સામે BNPના કાર્યકરોનું હલ્લાબોલ
Anti-India protests in Bangladesh : ભારત અને બાંગ્લાદેશ તણાવની સ્થિતિ વચ્ચે આજે રવિવારે ઢાકામાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) કાર્યકર્તાઓએ ઈન્ડિયન હાઈ કમિશન સામે વિરોધ પ્રદર્શન કર્યો. BNPના ત્રણ સંગઠનોના હજારો સમર્થકોએ ત્રિપુરામાં બાંગ્લાદેશના આસિસ્ટન્ટ હાઈ કમિશન પર થયેલા હુમલાના વિરોધમાં ઢાકામાં ભારતીય હાઈ કમિશન તરફ કૂચ કરી. BNPના ત્રણ સંગઠનો વિદ્યાર્થી પાંખ જ્ઞાતિવાદી છાત્ર દળ (JCD), યુવા પાંખ જાતિવાદી જુબો દળ (JJD) અને સ્વયંસેવક પાંખ જ્ઞાતિવાદી શેખસેબક દળ (JSD)એ ઉગ્ર દેખાવો કરતા ભારતીય હાઈ કમિશન બહાર વાતાવરણ ઉગ્ર બન્યું છે.
ઢાકામાં BNPના મુખ્યાલયની સામે વિરોધ પ્રદર્શન
મળતી માહિતી મુજબ, ત્રણેય સંગઠનોના કાર્યકર્તાઓ રાજધાની ઢાકાના નયાપલ્ટન વિસ્તારમાં BNPના મુખ્યાલયની સામે એકઠા થયા હતા. જેમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોના હાથમાં પ્લેકાર્ડ્સ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. તાજેતરના મહિનાઓમાં બંને પડોશીઓ વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીની ઢાકાની મુલાકાતના એક દિવસ પહેલા આ વિરોધ થયો હતો. ઢાકામાં 6 કિલોમીટર સુધી માર્ચ કર્યા બાદ રામપુરા વિસ્તારમાં પોલીસે બેરિકેડ્સથી માર્ચને રોકી દેવામાં આવી હતી. ત્યાંથી એક પ્રતિનિધિમંડળ ઢાકામાં ભારતીય હાઈ કમિશનમાં ગયું અને એક મેમોરેન્ડમ સુપરત કર્યું.
અગાઉ 2 ડિસેમ્બરે, ભારતે અગરતલામાં બાંગ્લાદેશ સહાયક હાઈ કમિશન સંકુલમાં ઘૂસણખોરીની ઘટના બાદ નવી દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન અને દેશના અન્ય રાજદ્વારી સંકુલ માટે સુરક્ષા વ્યવસ્થા વધારવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન લઘુમતીઓ પર હુમલાના સમાચારની સાથે બાંગ્લાદેશમાં સ્થિતિ તણાવપૂર્ણ થઈ. લઘુમતી ઘરોમાં આગચંપી અને લૂંટફાટ અને મંદિરોમાં તોડફોડના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે.
આ પણ વાંચો: ઢાકામાં કટ્ટરવાદીઓએ ઇસ્કોન સેન્ટર મંદિર સળગાવ્યા, મૂર્તિઓ બળી ગઇ
શુક્રવારે રાત્રે ઢાકાની બહારના વિસ્તારમાં અન્ય એક હિન્દુ મંદિરમાં આગ લગાવી દીધી હતી. ઢાકાની ઉત્તરે આવેલા ધોર ગામમાં આવેલા મહાભાગ્ય લક્ષ્મીનારાયણ મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો. મંદિરના નિરીક્ષક બાબુલ ઘોષે જણાવ્યું કે, તેમના પૂર્વજોના મંદિરને સળગાવવા મામલે અજાણ્યા શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાવી.