બેંગલુરુમાં જળસંકટે ભારે કરી, કોચિંગ ક્લાસ-સ્કૂલો બંધ, સિદ્ધારમૈયા-શિવકુમાર પણ મુશ્કેલીમાં

હાઉસિંગ સોસાયટીઓ પાણીના ટેન્કરો માટે મોં માંગ્યા ભાવ ચૂકવતી હોવા છતાં પાણીની અછત યથાવત્

પાણીના બગાડ બદલ 5000નો દંડ : CMના કાર્યાલયમાં ટેન્કરો તહેનાત, શિવકુમારના ઘરનો બોરવેલ સુકાયો

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
બેંગલુરુમાં જળસંકટે ભારે કરી, કોચિંગ ક્લાસ-સ્કૂલો બંધ, સિદ્ધારમૈયા-શિવકુમાર પણ મુશ્કેલીમાં 1 - image


Bangalore Water Crisis : ભારતના સિલિકોન વેલી ગણાતા બેંગ્લુરુ શહેરમાં પાણીની કટોકટી વધુ ગંભીર બની છે. દેશમાં હજુ તો ઉનાળાની મોસમ શરૂ નથી થઈ તે પહેલાં જ કર્ણાટકના હાઈટેક સિટી બેંગ્લુરુમા લોકો ટીપે-ટીપા પાણી માટે ટળવળી રહ્યા છે. શહેરમાં અત્યારથી જ જે પરિસ્થિતિ સર્જાઈ છે તેનાથી બેંગ્લુરુવાસીઓ પણ ગભરાઈ ગયા છે. ઊનાળો ખરેખર શરૂ થાય અને જળસંકટ વધુ ઘેરું બને તે પહેલાં સરકાર અને રહેણાંક સોસાયટીઓએ કમર કસવાનું શરૂ કર્યું છે. એટલું જ નહીં રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (CM Siddaramaiah) અને નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર (DK Shivakumar)ની પણ મુશ્કેલી વધી ગઈ છે. આ ઉપરાંત રાજ્યની કોચિંગ ક્લાસ અને સ્કૂલોએ પણ બાળકોને ઓનલાઈન ભણાવવાનો નિર્ણય કર્યો છે.

કોચિંગ ક્લાસ-સ્કૂલો બંધ

જળસંકટના કારણે રાજ્યના ઘણા વિસ્તારોની સ્થિતિ બગડી છે. બેંગલુરુની પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (BWSSB)એ પણ જરૂરી જાળવણી કામકાજ સહિતના કામકાજ માટે શટડાઉનની જાહેરાત કરી છે. વિજયનગરના એક કોચિંગ સેન્ટરે ઈમરજન્સીના કારણે એક અઠવાડિયા માટે વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસ લેવા કહ્યું છે. જ્યારે બન્નૈરઘટ્ટા રોડ પરની સ્કૂલો બંધ કરી દેવાઈ છે. સ્કૂલ વહિવટી તંત્રએ વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલી વર્ગમાં ભાગ લેવા કહ્યું છે.

સિદ્ધારમૈયા અને શિવકુમાર પણ પરેશાન

પાણીની કટોકટીથી બેંગલુરુની સામાન્ય જનતા ભારે મુસીબતનો સામનો કરી રહી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને શિવકુમાર પણ પરેશાન છે. મુખ્યમંત્રીના કાર્યાલયની અંદર પણ પાણી ટેન્કરો રખાયા છે. તો નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારે તાજેતરમાં જ કહ્યું હતું કે, સદાશિવનગરમાં તેમના ઘરમાં બોરવેલ સુકાઈ ગઈ છે.

પાણીની કટોકટી વચ્ચે ટેન્કરના ભાવ વધ્યા

કર્ણાટકના રસ્તાઓ પર પાણીની ટેંકરો જોવા હવે સામાન્ય વાત બની ગઈ છે. શિવકુમારે કહ્યું કે, સામાન્ય દિવસોમાં ટેન્કરની કિંમત 700થી 800 રૂપિયા હોય છે. જોકે વધુ માંગ સર્જાતા ટેન્કરની કિંમત 1500થી 1800 રૂપિયા થઈ ગઈ છે. સિદ્ધારમૈયાના જણાવ્યા મુજબ રાજ્યના 136 તાલુકામાંથી 123 તાલુકાઓને દુષ્કાળ અસરગ્રસ્ત જાહેર કરાયા છે, જ્યારે તેમાંથી 109માં ગંભીર કેટેગરીમાં મુકાયા છે.

લોકો મોં માંગ્યા ભાવ ચૂકવવા મજબૂર

ક્લાઈમેટ સમસ્યાનો સામનો કરતી પૃથ્વી પર ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે લડાશે તેવું કહેવાતું હતું. હવે ભારતના સિલિકોન વેલી ગણાતા બેંગ્લુરુમાં જળસંકટની આ સમસ્યા જોવા મળી રહી છે. પાણીની અછત પૂરી કરવા માટે મોટી-મોટી સોસાયટીઓ અને કોલોનીઓ ટેન્કરોથી પાણી મંગાવી રહી છે અને તેના માટે મોં માંગ્યા ભાવ ચૂકવી રહી છે. આમ છતાં પાણીની અછત દૂર નથી થઈ રહી. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ છે કે મુખ્યમંત્રી નિવાસમાં પણ પાણીની અછત ઊભી થઈ છે.

પાણીના બગાડ બદલ રૂ.5000નો દંડ

ગંભીર જળસંકટની આ પરિસ્થિતિમાં બેંગ્લુરુની રહેણાક સોસાયટીઓએ પાણીનો દુરુપયોગ રોકવા માટે સ્થાનિક રહેવાસીઓ પર પાણીના બગાડ બદલ રૂ.5000નો દંડ કરવાની નોટિસ જાહેર કરી છે. સાથે જ પરિસ્થિતિ પર નજર રાખવા માટે વિશેષ સુરક્ષા કર્મચારી તૈનાત કરવામાં આવ્યો છે. અનેક હાઉસિંગ સોસાયટીઓએ રહેવાસીઓ માટે વર્તમાન જળસંકટ વચ્ચે તેમનો દૈનિક પાણી વપરાશ સાવચેતીપૂર્વક કરવાની સલાહ આપી છે. પાણીની ગંભીર કટોકટીનો સામનો કરનારા બેંગ્લુરુના વિસ્તારોમાં વ્હાઈટ ફિલ્ડ, યેલહંકા અને કનકપુરાનો સમાવેશ થાય છે.

કર્ણાટકમાં ઓછા વરસાદના કારણે અનેક બોરવેલ સુકાઈ ગયા

બેંગ્લુરુમાં દુષ્કાળ પડવાના કારણે જળસંકટ ઘેરું બન્યું છે. કર્ણાટકમાં વરસાદ સામાન્યથી ઓછો નોંધાયો છે. એવામાં અનેક બોરવેલ સુકાઈ ગયા છે. અનેક જગ્યાઓ પર ભૂગર્ભ જળનું સ્તર નીચું ગયું છે. આ સિવાય માફિયાને પણ જળસંકટ માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જળ માફિયા હંમેશા પાણી પંપ કરે છે. તેનાથી મોટી સમસ્યા ઊભી થઈ છે. તેથી સરકારે ખાનગી બોરવેલ તેના કબજામાં લેવાનું શરૂ કર્યું છે. શહેરની વસ્તી હાલ એક કરોડ જેટલી થઈ ગઈ છે. વસતી ઝડપથી વધી રહી છે તેથી પાણીની જરૂરિયાત પણ વધી છે. બીજીબાજુ શહેરોમાં વૃક્ષો ઓછા હોવાના કારણે ભૂગર્ભજળ બચાવી શકાયું નથી.


Google NewsGoogle News