ઈસ્લામિક સંગઠન સિમી પર વધુ પાંચ વર્ષ માટે પ્રતિબંધ,આતંકી ગતિવિધિઓમાં સામેલ
કેન્દ્ર સરકારે પ્રથમ વખત સિમી પર પહેલી ફેબ્રુઆરી 2014માં પ્રતિબંધ લગાવ્યો હતો
Ban On SIMI: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI) પરનો પ્રતિબંધ વધુ પાંચ વર્ષ માટે લંબાવી દેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે આજે 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે 'આતંકવાદ સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઝીરો ટોલરન્સ અભિગમ હેઠળ સિમીને આગામી પાંચ વર્ષ માટે યુએપીએ હેઠળ ગેરકાયદે સંગઠન જાહેર કરવામાં આવે છે.'
સિમી દેશ માટે ખતરો
કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સિમી ભારતની સુરક્ષા અને અખંડિતતાને જોખમમાં મુકવા, આતંકવાદને પ્રોત્સાહન આપવા, શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને બગાડવામાં સામેલ હોવાની માહિતી મળી છે. વર્ષ 2023માં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને સિમી પરના પ્રતિબંધને યોગ્ય ગણાવ્યા હતા.
સિમીના સભ્યો આતંકી ગતિવિધિઓમાં સામેલ
સિમીને સૌપ્રથમ 2001માં ગેરકાયદે સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું અને તેના પર ઘણી વખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સિમીના સભ્યો દેશમાં અનેક આતંકી હુમલાઓમાં સામેલ હતા. જેમાં 2014માં ભોપાલ જેલ બ્રેક, 2014માં બેંગલુરુમાં એમ ચિન્નવામી સ્ટેડિયમ બ્લાસ્ટ અને 2017માં બિહારના ગયામાં બ્લાસ્ટનો સમાવેશ થાય છે.