ખેડૂતો માટે આંચકાજનક સમાચાર, ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટ્યો હોવાની ખબર સરકારે ફગાવી
ડુંગળીની નિકાસ પરો પ્રતિબંધ યથાવત્, તેમાં કોઈપણ ફેરફાર કરાયો નથી : ગ્રાહક સુરક્ષા બાબતોના સચિવ
Onion Export Ban Update : ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવાની વાત વાયુવેગે ફેલાયા બાદ સરકારે આ અંગે સ્પષ્ટતા કરી કહ્યું છે કે, ડુંગળીની નિકાસ પર 31 માર્ચ-2024 સુધી પ્રતિબંધ યથાવત્ રહેશે. ગ્રાહક સુરક્ષા બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો હોવાના અહેવાલને રદિયો આપી કહ્યું છે કે, ‘ડુંગળીની નિકાસ પર લાદેલો પ્રતિબંધ યથાવત્ છે અને તેના કોઈપણ સ્ટેટસમાં ફેરફાર કરાયો નથી.’ સરકારે 8 ડિસેમ્બર-2024ના રોજ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો.
ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવ્યાના અહેવાલ ખોટા
તેમણે કહ્યું કે, ‘ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવાયો નથી અને તેની વર્તમાન સ્થિતમાં કોઈપણ ફેરફાર કરાયો નથી. સ્થાનિક ગ્રાહકોને યોગ્ય ભાવે ડુંગળી ઉપલબ્ધ થાય, તે સુનિશ્ચિત કરવાની સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. અગાઉ ડુંગળીની નિકાસ પર લગાવેલ પ્રતિબંધ 31 માર્ચ-2024 સુધી યથાવત્ રહેશે. સરકાર ડુંગળીની કિંમતને કાબુમાં લેવા તેમજ સ્થાનિકોને સરળતાથી ઉપલબ્ધ થાય, તે હેતુથી પ્રયાસો કરી રહી છે.’
ડુંગળીની નિકાસ પર આઠમી ડિસેમ્બરથી પ્રતિબંધ
ડુંગળીનું ઉત્પાદન ઘટતા તેમજ કિંમતો વધતા સરકારે 8મી ડિસેમ્બરથી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો છે. આ પ્રતિબંધ 31 માર્ચ 2024 સુધી અમલમાં રહેશે. ડિસેમ્બરમાં કાંદાની છુટક કિંમત પ્રતિ કિલોગ્રામ રૂ.100 હતી ત્યારબાદ નિકાસ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. સરકારે છૂટક ભાવ ઘટાડવા માટે સ્થાનિક બજારોમાં સ્ટોક વધે તેવા ઉદ્દેશથી આ પ્રતિબંધ લાદ્યો હતો. સરકારના બફર સ્ટોકમાંથી પ્રતિ કિલોગ્રામ રૂ. 25ના ભાવે કાંદા વેચવામાં આવ્યા હતા.