સમગ્ર આસામ રાજ્યમાં ગૌમાંસ રાખવા કે વેચવા પર પ્રતિબંધ લાગુ
- મંદિરોની આસપાસ વેચવા પર બેનનો વિસ્તાર વધાર્યો
- કોંગ્રેસના લોકો આ પ્રતિબંધનું સ્વાગત કરે નહીં તો પાકિસ્તાન જતા રહે : આસામના મંત્રી
ગુવાહાટી : આસામમાં બીફ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેની જાહેરાત મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમા દ્વારા કરવામાં આવી હતી. જેને પગલે સમગ્ર રાજ્યમાં હવેથી ગૌમાંસ રાખવા કે વેચવા પર પ્રતિબંધ રહેશે, રાજ્યના તમામ રેસ્ટોરંટ અને હોટેલોમાં હાલ ગૌમાંસ વેચવામાં નથી આવી રહ્યું.
આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે અમે આસામમાં ગૌહત્યા રોકવા માટે ત્રણ વર્ષ પહેલા જ કાયદો લાવ્યા હતા. આ કાયદાથી ગૌહત્યા રોકવામાં ઘણી સફળતા મળી છે. હવે અમે નિર્ણય લીધો છે કે આસામના કોઇ પણ રેસ્ટોરંટ કે હોટેલમાં ગૌમાંસ નહીં વેચી શકાય. એટલુ જ નહીં જાહેર સ્થળો કે લગ્ન સહિતના સમારોહમાં પણ ગૌમાંસ નહીં પિરસી શકાય.
અગાઉ આસામમાં મંદિરોની આસપાસ ગૌમાંસ વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, જેને હવે સમગ્ર રાજ્યમાં લાગુ કરી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ બાદ આસામ સરકારના મંત્રી પીજૂષ હઝારિકાએ કહ્યું હતું કે જે પણ લોકોને ગૌમાંસ વેચવા પર લગાવાયેલો આ પ્રતિબંધ પસંદ ના હોય તેઓ પાકિસ્તાન જતા રહે. હું આસામમાં કોંગ્રેસને પડકાર ફેંકુ છું કે કાં તો તેઓ સરકારના આ નિર્ણયનું સ્વાગત કરે અથવા તો પાકિસ્તાન જતા રહે. તાજેતરમાં આસામમાં પણ પેટા ચૂંટણી યોજાઇ હતી, જેમાં ભાજપની જીત પર કોંગ્રેસે આરોપો લગાવ્યા હતા અને દાવો કર્યો હતો કે ભાજપે મતદારોને બીફ પાર્ટી આપીને લુભાવીને તેમના મત લીધા છે. જેને પગલે આસામના મંત્રીએ આ આરોપો લગાવ્યા હતા.