હિન્દુઓ માટે બાળાસાહેબ દેવતા સમાન, 26 જાન્યુઆરીએ ભારત રત્ન આપે PM: ઉદ્ધવ સેનાની માગ
Balasaheb Thackeray: ઉદ્ધવ સેનાના સાંસદ સંજય રાઉતે ગુરુવારે માંગ કરી હતી કે, 'શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેને ભારત રત્નથી સન્માનિત કરવા જોઈએ. પીએમ નરેન્દ્ર મોદીએ 26મી જાન્યુઆરીએ આની જાહેરાત કરવી જોઈએ.'
બાળાસાહેબને ભારત રત્ન આપવામાં આવે તેવી માંગ
બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતિ નિમિત્તે તેમણે કહ્યું કે, 'બાળાસાહેબ ઠાકરે તમામ હિંદુઓ અને મરાઠી લોકો માટે ભગવાન સમાન છે. જો આજે અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે તો તેમાં બાળાસાહેબ ઠાકરેનું મહત્ત્વનું યોગદાન હતું. ઘણા હિંદુ સંગઠનો દ્વારા બાળાસાહેબ ઠાકરેને ભારત રત્ન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેથી, આજે અમે માંગ કરીએ છીએ કે પીએમ મોદીએ 26 જાન્યુઆરીએ તેમને ભારત રત્ન આપવાની જાહેરાત કરવી જોઈએ.'
ઉદ્ધવ સેનાએ પોતાના મુખપત્રમાં એકનાથ શિંદે પર પ્રહારો કર્યા
આ દરમિયાન ઉદ્ધવ સેનાએ પોતાના મુખપત્ર 'સામના'માં અમિત શાહ અને એકનાથ શિંદે પર પ્રહારો કર્યા છે. અખબારના પહેલા પાને એકનાથ શિંદેને દેશદ્રોહી ગણાવ્યા છે અને તેની સરખામણી પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર સાથે કરવામાં આવી છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે અમિત શાહ જેવા નેતાઓ જ્યારે મહારાષ્ટ્રમાં આવે છે ત્યારે બાળાસાહેબ ઠાકરેનું નામ ખૂબ જ લે છે. તેઓ આમ કરવામાં ક્યારેય ખચકાટ અનુભવતા નથી, પરંતુ એ પણ સત્ય છે કે આ લોકોએ શિવસેનાને નબળી બનાવી છે. જે રીતે કેટલાક લોકોએ પાણીપતના ત્રીજા યુદ્ધમાં સદાશિવ રાવ ભાઉને દગો આપ્યો હતો, તેવી જ રીતે એકનાથ શિંદે જેવા દેશદ્રોહીને ઊભા કરવામાં આવ્યા હતા.'
આ પણ વાંચો: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બે અબજપતિ મેદાને ઉતર્યા, એકની પાસે તો 227 કરોડની સંપત્તિ
મરાઠી લોકોનું વિવિધ જાતિઓમાં વિભાજન
એટલું જ નહીં, મુખપત્રમાં ભાજપ અને એકનાથ શિંદે જૂથના સત્તામાં આવવાનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે, 'તેનું કારણ મરાઠી લોકોનું વિવિધ જાતિઓમાં વિભાજન છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યની ઘણી જાતિઓએ અનામતની માંગ ઉઠાવી છે. જેના કારણે સમાજનું વાતાવરણ પણ બગડ્યું છે. આજે મહારાષ્ટ્ર બાળાસાહેબ ઠાકરેને યાદ કરી રહ્યું છે. મહારાષ્ટ્ર લૂંટારાઓના હાથમાં આવી ગયું છે. મરાઠી લોકોને જાતિ અને પેટા જાતિઓમાં વહેંચવામાં આવી રહ્યા છે. જેઓ એક સમયે મરાઠી હોવાના નામે સંગઠિત હતા તેઓને આજે ધનગર, ઓબીસી, માળી, વણજારી, દલિત અને મુસ્લિમ બનાવવામાં આવી રહ્યા છે અને આ લોકોને અંદરોઅંદર લડાવવામાં આવી રહ્યા છે.'