Get The App

ઈન્દોરમાં બજરંગ દળનું અટકચાળું, પોલીસ સામે જ નગર નિગમના કર્મચારીઓને માર્યા, સરકારી વાહનોમાં તોડફોડ

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
ઈન્દોરમાં બજરંગ દળનું અટકચાળું, પોલીસ સામે જ નગર નિગમના કર્મચારીઓને માર્યા, સરકારી વાહનોમાં તોડફોડ 1 - image


Bajrang Dal Attacked Indore Municipal Corporation Team: ઈન્દોર નગર નિગમના કર્મચારીઓ પર હુમલા અને વાહનોની તોડફોડની એક ગંભીર ઘટના સામે આવી છે. નગર નિગમના કર્મચારીઓ પર બજરંગદળના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. નગર નિગમની ટીમ ગેરકાયદેસર બનેલા તબેલાને તોડીને અનેક પશુઓને પકડીને બે વાહનોમાં ભરીને લઈ જઈ રહી હતી. આ દરમિયાન જ્યારે નગર નિગમની ટીમ રસ્તામાં હતી ત્યારે બજરંગ દળના કાર્યકરોએ વાહનોને અટકાવી દીધા હતા અને પથ્થરો અને લાકડીઓ દ્વારા તેમના પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ વાહનોમાં તોડફોડ કરી હતી અને પોલીસની સામે જ નગર નિગમ કર્મચારીઓને માર માર્યો હતો. આ હુમલામાં નગર નિગમના કર્મચારીઓને ઈજા પહોંચી છે. ઘટના સ્થળ પર પોલીસે પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. નગર નિગમના ડેપ્યુટી કમિશ્નરે આ હુમલાના આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી છે અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને હુમલાખોરોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે.

નગર નિગમની ટીમ ગેરકાયદે બનેલા ગાયના તબેલામાં કાર્યવાહી કરવા માટે પહોંચી હતી

ઘટના એમ છે કે, ઈન્દોર નગર નિગમનો સ્ટાફ બુધવારે સવારે નંબર 14 પર દત્તા નગર અને સૂર્યદેવ નગરમાં બનેલા બે ગાયના તબેલામાં કાર્યવાહી કરવા માટે પહોંચ્યો હતો. જ્યાંથી ગાયો ભરીને કાનજી હાઉસ લઈ જવામાં આવી રહી હતી. જ્યારે નગર નિગમની ટીમ ટ્રકમાં ગાયોને લઈ જઈ રહી હતી ત્યારે બજરંગદળના 300થી 400 કાર્યકરોએ નગર નિગમના વાહનો અધવચ્ચે અટકાવ્યા હતા અને વાહનો પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. વાહનોમાં તોડફોડ કરી અને નગર નિગમના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આ પછી તેઓ દ્વારકાપુરી પોલીસ સ્ટેશન આવ્યા અને ભારે હોબાળો મચાવ્યો હતો.

આરોપીઓ વિરુદ્ધ FIR નોંધાઈ

આ હોબાળા અંગે નગર નિગમના ડેપ્યુટી કમિશ્નર લતા અગ્રવાલે જણાવ્યું કે, ગેરકાયદે તબેલાઓ સામે કાર્યવાહી કરવા માટે રહેવાસીઓની ફરિયાદના આધારે નગર નિગમની ટીમ સવારે દત્તા નગર અને સૂર્યદેવ નગર પહોંચી હતી. જ્યાં મોટી સંખ્યામાં બજરંગ દળના કાર્યકરોએ હુમલો કર્યો, કર્મચારીઓને માર માર્યો અને વાહનોની તોડફોડ કરી હતી. આરોપીઓ વિરુદ્ધ દ્વારકાપુરી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. કૉર્પોરેશન કમિશ્નર અને મેયરની સલાહથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: અમે કિમ જોંગના 3000 સૈનિકોનો ખાત્મો કર્યો...' રશિયા સામેના યુદ્ધ વચ્ચે ઝેલેન્સકીનો દાવો

પોલીસ સામે નગર નિગમના કર્મચારીઓને માર્યા

કાર્યવાહી બાદ બજરંગ દળના કાર્યકરોએ દ્વારકાપુરી પોલીસ સ્ટેશનને ઘેરી લીધું અને કૉર્પોરેશનના ડેપ્યુટી કમિશ્નર લતા અગ્રવાલ વિરુદ્ધ મુર્દાબાદના નારા લગાવ્યા. તેઓ અપશબ્દો બોલી રહ્યા હતા. દ્વારકાપુરી પોલીસ સ્ટેશનના પોલીસ સામે આ મારપીટ થતી રહી અને તેઓ જોતા રહ્યા. પોલીસ કર્મચારીઓએ કોઈ પણ રીતે આ બદમાશોને રોકવા માટે સખ્તી ન દેખાડી. આ બદમાશોઓએ પોલીસ સામે જ નગર નિગમના કર્મચારીઓ સાથે મારપીટ કરી.


Google NewsGoogle News