6 વખત ચૂંટણી હાર્યા, મેદાનમાં સફળ-રાજકારણમાં નિષ્ફળ પૂર્વ ભારતીય કેપ્ટને છેવટે સંન્યાસ લીધો
Baichung Bhutia | ભારતીય ટીમના દિગ્ગજ ફૂટબોલર અને સિક્કિમનાં રાજકારણમાં પગ જમાવવાનો પ્રયાસ કરનારા બાઈચુંગ ભુટિયાએ આખરે ચૂંટણી રાજકારણથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે. મોટું એલાન કરતાં બાઈચુંગે કહ્યું કે મને અહેસાસ થઈ ગયો છે કે હું રાજકારણ માટે નથી જન્મ્યો અને 2024ની ચૂંટણીના પરિણામો બાદ હવે આખરે હું રાજકારણ છોડી રહ્યો છું.
2024ની સિક્કિમ વિધાનસભા ચૂંટણીમાં પણ હાર્યાં
દિગ્ગજ ફૂટબોલર બાઈચુંગ ભુટિયાએ એક નિવેદન જાહેર કરી જણાવ્યું કે હું તાત્કાલિક અસરથી રાજકારણથી મુક્ત થઇ રહ્યો છું. સિક્કિમ વિધાનસભા ચૂંટણીમાં 10 વર્ષમાં મેં છઠ્ઠી વખત પરાજયનો સ્વાદ ચાખ્યો છે.
તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં તેમણે સિક્કીમ ડેમોક્રેટિક પાર્ટી તરફથી બારફુંગ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી હતી. તેમને સિક્કિમ ક્રાંતિકારી મોરચાના ઉમેદવાર રિક્સલ દોરજી ભુટિયાએ પરાજિત કર્યા. બાઈચુંગ આ ચૂંટણી પણ 4300 વોટના અંતરથી હારી ગયા. સામેવાળા ઉમેદવારને લગભગ તેમના કરતાં બમણાં 8300 વોટ મળ્યાં હતાં.
ટીએમસીની ટિકિટ પર ચૂંટણી લડી તોય હાર્યા!
બાઇચુંગ ભુટિયાએ 2018માં પોતાની હમરો સિક્કિમ પાર્ટી બનાવી હતી પણ 2023માં તેમણે પાર્ટીનો એસડીએફમાં વિલય કર્યો. ભારતીય ફૂટબોલર ટીમના પૂર્વ કેપ્ટન ભુટિયાએ એ પહેલાં ટીએમસીની ટિકિટ પર બે વખત ચૂંટણી લડી હતી પણ સફળતા ન મળી. તૃણમૂલ કોંગ્રેસે 2014ની લોકસભા ચૂંટણીમાં તેમને દાર્જિલિંગ અને 2016ની વિધાનસભા ચૂંટણીમાં સિલિગુડીથી ટિકિટ આપી હતી.
2024માં SDF એક સીટમાં સમેટાઈ ગઈ
ભુટિયાએ 2019માં સિક્કિમના ગંગટોક અને તુમેન-લિંગીથી વિધાનસભા ચૂંટણી લડી હતી પરંતુ તે ફરી નિરાશ થયા. ત્યારપછી તેઓ ગંગટોકથી 2019ની પેટાચૂંટણી પણ હારી ગયા. સ્થિતિ એ છે કે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ માત્ર એક જ સીટ પર સમેટાઈ ગઈ હતી, જ્યારે એસકેએમને 32માંથી 31 સીટો પર જીત મળી હતી.
બાઈચુંગ ભુટિયાએ શું કહ્યું?
બાઈચુંગ ભુટિયાએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, "મને એક જ અફસોસ છે કે મને લાગ્યું કે મારી પાસે રમતગમત અને પર્યટનના વિકાસને લગતા સારા વિચારો છે, જેને હું તક મળતાં અમલમાં લાવવા માગતો હતો. પરંતુ કમનસીબે આવું ન થયું. મને ખાતરી છે કે આવું કરવા માટે વધુ સારા વિચારો ધરાવતા અન્ય લોકો હશે."