એક વરુએ દીકરીને મોઢામાં દબોચી અને બે પાછળ-પાછળ...', યુપીની મહિલાએ વર્ણવી ભયાનક આપવીતી
Image Source: Freepik
Bahraich Wolf Attack: ઉત્તર પ્રદેશના બહરાઇચમાં પાછલા કેટલાક સમયથી માનવભક્ષી વરુઓએ આતંક ફેલાવ્યો છે. વરુના હુમલામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત અને 22થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ માનવભક્ષી વરુને પકડવા માટે વન વિભાગ અને તંત્ર 'ઓપરેશન ભેડિયા' ચલાવી રહ્યા છે. અત્યાર સુધી 4 વરુઓને પકડવામાં પણ આવ્યા છે, પરંતુ બાકી રહેલા વરુઓેએ લોકોનું જીવવાનું મુશ્કેલ કરી દીધુ છે. રવિવારે રાત્રે માનવભક્ષી વરુ હરદી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં ઘૂસી ગયો હતો. ત્યાં તે ત્રણ વર્ષની માસૂમને ઉઠાવી ગયો. મૃતક બાળકીની માતાએ ભયાનક આપવીતી વર્ણવી છે. તેમણે ગત રાત્રિની ભયાનક ઘટના અંગે જણાવતા કહ્યું કે, વરુએ દીકરીને ગળામાં દબોચી હતી તેથી તેનો અવાજ પણ ન આવ્યો.
ગત રાત્રે ગરેઠી ગુરુદત્ત સિંહ ગામમાં વરુએ ત્રણ વર્ષની એક બાળકીને નિશાન બનાવી હતી. આ બાળકીની માતાએ મીનૂએ આ ઘટના અંગે જણાવ્યું કે, મોડી રાત્રે લગભગ 3:30 વાગ્યે હું મારી સૌથી નાની દીકરીને દૂધ પીવડાવીને સઈ ગઈ. ત્યારબાદ એક વરુ આવ્યુ અને બાળકીને ઉઠાવીને ચાલ્યો ગયો. તેણે દીકરીને મોઢામાં દબોચી લીધી હતી તેથી તેનો અવાજ પણ ન નીકળી શક્યો. તે બાળકીના હાથ અને પગ ખાઈ ગયો.
બે મિનિટ બાદ ફરી આવ્યો વરુ
આટલું જ નહીં બાળકીને ઉઠાવી ગયાની બે મિનિટ બાદ ફરી પાછો વરુ આવ્યો. મીનૂએ જણાવ્યું કે, ત્યાં સુધીમાં ગામના લોકો એકઠા થઈ ગયા હતા અને તેમણે વરુને ભગાડી દીધો. એક તરફ વહીવટી તંત્ર દાવો કરી રહ્યું છે કે, અહીં હવે માત્ર બે જ વરુ બચ્યા છે, કારણ કે, ચારને પકડી લેવામાં આવ્યા છે. પરંતુ મીનૂએ જણાવ્યું કે, ગત રાત્રે જ ત્રણ વરુ હતા. તેમાંથી આગળ વાળો વરુ બાળકીને દબોચીને લઈ જઈ રહ્યો હતો અને બાકીના બે વરુ તેની પાછળ-પાછળ ચાલી રહ્યા હતા.
બીજી તરફ ગ્રામજનોએ જણાવ્યું કે, કાલે સાંજે 7:00 વાગ્યા આસપાસ વરુ ઘરના તળાવની પાસે દેખાયો હતો. વન વિભાગને તેની જાણ પણ કરી પરંતુ તેમણે કહ્યું કે, પહેલા વરુનો વીડિયો મોકલો પછી આવીશું. બાળકીના ઘર ઉપરાંત નજીકના 300 મીટરના દાયરામાં કુલ 3 ઘરોને વરુએ નિશાન બનાવ્યા હતા. ત્યાં વરુના પગના નિશાન પણ જોવા મળ્યા છે.
વરુઓના હુમલામાં ઉગ્ર વધારો
બહરાઇચના મહસી તાલુકામાં માનવભક્ષી વરુઓ ગામના લોકો પર સતત હુમલાઓ કરી રહ્યો છે, જેના કારણે 50 ગામના લોકો ભયભીત છે. આ વર્ષે માર્ચ મહિનામાં આ પ્રકારના હુમલાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો હતો. ત્યાર બાદથી વરુઓના હુમલા સતત વધી રહ્યા છે. નોંધનીય છે કે, 3 ઓગસ્ટે વન વિભાગે એક માદા વરુને પકડી હતી, જેનું વન વિભાગ લાવતા સમયે મોત થયું હતું. ત્યાર બાદથી વરુઓના હુમલામાં ઉગ્ર વધારો થયો છે.
50 ગામોમાં વરુઓનો આતંક
બહરાઇચ જિલ્લાના 50 ગામોમાં વરુઓનો આતંક છે. માનવભક્ષીઓના હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે અને 9 બાળકો સહિત 10 લોકોના મોત થઈ ચૂક્યા છે. બહરાઈચમાં આ માનવભક્ષી વરુઓને પકડવા માટે 5 ફોરેસ્ટ ડિવિઝન બહરાઇચ, કટાર્નિયાઘાટ વાઈલ્ડલાઈફ, શ્રાવસ્તી, ગોંડા અને બારાબંકીની લગભગ 25 ટીમો કામગીરીમાં જોતરાઈ છે. તેમાંથી 12 ટીમો માત્ર મહસી તહસીલ વિસ્તારમાં તેહનાત કરવામાં આવી છે. આ ઉપરાંત સુરક્ષા માટે બે કંપની PAC જવાનો સાથે પોલીસ તેહનાત છે. હવે આ માનવભક્ષીઓએ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ આતંક ફેલાવ્યો છે. મહસી તહસીલ વિસ્તારમાં છેલ્લા છ મહિનામાં વરુના હુમલાની આ 7મી ઘટના છે. જેમાં નવ બાળકો સહિત એક મહિલાનું મોત થયું છે.