બહરાઈચ હિંસા: આરોપીઓના ઘર પર નહીં ચાલે બાબાનું બુલડોઝર, સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
Supreme Court On Bulldozer Action: બહરાઈચ હિંસાના આરોપીઓ દ્વારા યુપી સરકારના બુલડોઝર એક્શન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને તેના પર તાત્કાલિક સુનાવણીની માગ કરી છે. સીનિયર એડવોકેટ સી.યૂ સિંહે જણાવ્યું કે, 13 ઓક્ટોબરના રોજ એક શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, ત્યારબાદ આ ઘટના ઘટી છે.
ઘરને ધ્વસ્ત કરવાની નોટિસ મળવા પર દાખલ કરી અરજી
આ અરજી ત્રણ લોકો દ્વારા દાખલ કરવામાં આવી છે, જેમને ત્રણ દિવસમાં પોતાના મકાનો તોડી પાડવાની નોટિસ મળી છે. અરજદારોના પિતા અને ભાઈએ પહેલાથી જ પોલીસ સામે આત્મસમર્પણ કરી લીધું છે. સિંહે તેને કોર્ટના આદેશોનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવતા કહ્યું કે, 'પીડબ્લ્યુડીએ ત્રણ દિવસમાં ડિમોલિશનની નોટિસ જારી કરી છે, જ્યારે અમે આ મામલાને તાત્કાલિક સુનાવણી માટે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.'
શું બોલ્યા એસએસજી?
જસ્ટિસ ગવઈએ પૂછ્યું કે, શું આ મામલો હાઈકોર્ટમાં છે? અને શું તમે કોર્ટના આદેશોથી વાકેફ છો? અને જો તમે આ આદેશોનો અનાદર કરવાનું જોખમ લેવા માંગતા હોય તો એ તમારો નિર્ણય છે. સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ (ASG)એ કહ્યું કે, 'અમે હાઈકોર્ટને ખાતરી આપી છે કે 15 દિવસની નોટિસ 20 ઓક્ટોબરના રોજ જારી કરવામાં આવી છે.'
આ પણ વાંચો: બહરાઈચ હિંસા: 'ત્રણ દિવસમાં દબાણ હટાવો, નહીંતર બુલડોઝર ચાલશે', 23 આરોપીઓના ઘરે નોટિસ
કેસની સુનાવણી સુધી કાર્યવાહી પર રોક
અરજદારોના વકીલે દલીલ કરી હતી કે, અમારા ક્લાયન્ટને રક્ષણ પૂરું પાડવું જોઈએ, કારણ કે એક ઘર 10 વર્ષ જૂનું છે અને બીજું 70 વર્ષ જૂનું છે. જસ્ટિસ ગવઈએ કહ્યું કે, સરકારી રિપોર્ટ પ્રમાણે ઘર રોડથી 30 કિલોમીટર દૂર સ્થિત છે. કોર્ટે આદેશ આપ્યો છે કે આવતીકાલે કેસની સુનાવણી થશે અને ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવશે.
સુપ્રીમ કોર્ટે યુપી સરકારને કાલ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો છે. અને હવે આ કેસની સુનાવણી બુધવારે થશે.
તમને જણાવી દઈએ કે, બહરાઈચના હરડી પોલીસ સ્ટેશન વિસ્તારના રેહુઆ મંસૂર ગામના રહેવાસી રામ ગોપાલ મિશ્રા 13 ઓક્ટોબરે સાંજે લગભગ 6:00 વાગ્યે દુર્ગા મૂર્તિના વિસર્જન માટે નીકળેલી શોભાયાત્રામાં સામેલ થયા હતા. જ્યારે આ શોભાયાત્રા મહારાજગંજ માર્કેટમાં એક ખાસ સમુદાયના વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. આરોપ છે કે આ દરમિયાન છત પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે વિસર્જન દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન રામ ગોપાલને ઘરની છત પરથી કરવામાં આવેલ ગોળીબારમાં ગોળી વાગી હતી, જેના કારણે તેનું મોત થઈ ગયું હતું.
બીજી તરફ અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ ખંડપીઠે રવિવારે બહરાઈચમાં બુલડોઝરની કાર્યવાહી પર 15 દિવસ માટે પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે આ મામલે બુધવારે સુનાવણી થશે. PWD વિભાગ દ્વારા 23 લોકો જેમના ઘરો અને દુકાનો પર નોટિસો ચોંટાડી દેવામાં આવી હતી. તેમને જવાબ દાખલ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં 23 ઓક્ટોબરે સુનાવણી બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.