ભાજપ રમખાણો કરાવીને પોતાના જ લોકોને ફસાવી રહી છે....: બહરાઈચ હિંસા પર અખિલેશ યાદવે લગાવ્યા આરોપ
Akhilesh Yadav On Bahraich Violence: ઉત્તર પ્રદેશના બહરાઈચમાં થયેલી હિંસા મુદ્દે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે આ હિંસા મુદ્દે આરોપ લગાવ્યો કે, ભાજપના ધારાસભ્યો જ ભાજપના લોકો વિરુદ્ધ FIR નોંધાવી રહ્યા છે. આ સાથે જ રમખાણો કરાવીને ભાજપના લોકોને ફસાવવામાં આવી રહ્યા છે. હવે પાર્ટીના કાર્યકરો પણ કહેવા લાગ્યા છે કે ભાજપ કોઈની સગી નથી.
અખિલેશ યાદવે લગાવ્યા આરોપ
અખિલેશ યાદવે x પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે, 'ધિક્કાર છે આવી ભાજપની રાજનીતિ અને ભાજપની સત્તાની ભૂખ પર જે રાજકારણ માટે દેશના ભાઈચારા વચ્ચે રમખાણો કરાવવાનું ષડયંત્ર રચે છે. બહરાઈચ હિંસા મામલે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે, જેના કારણે ભાજપ કોઈને મોંઢું દેખાડવાના લાયક નથી રહી.'
ભાજપના સમર્થકો શરમ અનુભવી રહ્યા છે: અખિલેશ યાદવ
તેમણે આગળ કહ્યું કે, 'ભાજપના ધારાસભ્યો જ ભાજપના સભ્યો વિરુદ્ધ ષડયંત્ર માટે FIR નોંધાવી રહ્યા છે અને તોફાનીઓ છુપાયેલા કેમેરા સામે સાચું બોલી રહ્યા છે. ભાજપના જે થોડા-ઘણા સમર્થકો અને વોટરો બાકી રહ્યા છે તેઓ પણ હવે ભાજપનું આ ષડયંત્રકારી અને હિંસક સ્વરૂપ જોઈને શરમ અનુભવી રહ્યા છે. ભાજપે તેમના સમર્થકોની ભાવનાઓને ગેરમાર્ગે દોરી છે અને તેઓનો ઉપયોગ પોતાની સત્તા જાળવી રાખવા માટે કર્યો છે. સત્ય એ છે કે ભાજપ પોતાના જ લોકો વિરુદ્ધ ષડયંત્ર કરી રહી છે. ભાજપ પોતાના જ લોકો પર રમખાણો કરાવીને તેમને જ ફસાવી રહી છે. તો જ તો ભાજપના ધારાસભ્ય ભાજપના જ લોકો વિરુદ્ધ રિપોર્ટ લખાવી રહ્યા છે.
આ પણ વાંચો: યુપીના બહરાઈચમાં હજુ શાંત નથી થઈ હિંસાની આગ, ઉપદ્રવીઓએ ધાર્મિક સ્થળે તોડફોડ, તણાવ વધ્યો
આ અગાઉ પણ અખિલેશે યાદવે આરોપ લગાવ્યો હતો કે, બહરાઈચ હિંસા ભાજપ દ્વારા યોજનાબદ્ધ હતી. તેમણે એક નિવેદન આપતા કહ્યું હતું કે, બહરાઈચમાં જે કંઈ પણ થયું તે રાજ્યમાં આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું.
બહરાઈચમાં એક ધાર્મિક શોભાયાત્રા દરમિયાન એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. ત્યારબાદ પ્રદર્શનકારીઓએ દુકાનો, વાહનો અને એક હોસ્પિટલને આગ ચાંપી દીધી હતી.