જ્ઞાનવાપી બાદ વધુ એક કેસમાં હિંદુઓની જીત, કોર્ટે મઝાર અને લાક્ષાગૃહ વિવાદમાં સંભળાવ્યો નિર્ણય
ઉત્તર પ્રદેશના બાગપતમાં આવેલી બદરુદ્દીન શાહની મજાર અને લાક્ષાગૃહ વિવાદ મામલે કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો
લાક્ષાગૃહ મજાર અને કબ્રસ્તાન હોવાનો દાવો કરાયો હતો, 54 વર્ષ જૂના કેસમાં કોર્ટે 100 વીઘા જમીન હિંદુ પક્ષને સોંપી
Baghpat Lakshagrih Badruddin Shah Mazar Case : જ્ઞાનવાપી કેસ બાદ વધુ કેસમાં હિંદુઓની જીત થઈ છે. ઉત્તર પ્રદેશની બાગપતમાં આવેલી બદરુદ્દીન શાહની મજાર અને લાક્ષાગૃહ વિવાદ મામલે કોર્ટે મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. આ કેસમાં એડીજે કોર્ટે 100 વીઘા જમીન હિંદુ પક્ષને સોંપી છે.
54 વર્ષ જૂના કેસમાં હિંદુ પક્ષની જીત
આ મામલો આજથી 54 વર્ષ પહેલા 1970માં સામે આવ્યો હતો. તે દરમિયાન મુસ્લિમ પક્ષ તરફથી મુકીન ખાન નામના એક વ્યક્તિએ લાક્ષાગૃહ બદરુદ્દીન શાહની મજાર અને કબ્રસ્તાન હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ ઘણાં વર્ષો સુધી આ કેસ કોર્ટમાં ચાલતો રહ્યો. આ કેસમાં મુસ્લિમ પક્ષ તરફથી બ્રહ્મચારી કૃષ્ણદત્ત મહારાજને પ્રતિવાદી બનાવ્યા હતા. લગભગ 100 વીઘા જમીન પર માલિકી હકનો કેસ કોર્ટમાં ચાલતો રહ્યો હતો. હિંદુ પક્ષ તરફથી કોર્ટમાં પુરાવા રજૂ કરાયા. કોર્ટની સુનાવણી દરમિયાન બંને પક્ષો તરફથી દલીલો કરવામાં આવી અને પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.
હિંદુ અને મુસ્લિમ પક્ષે શું દલીલ કરી?
હિંદુ પક્ષે દલીલ કરી કે, મહાભારતકાળથી લાક્ષાગૃહ આવેલું છે અને તેનો ઈતિહાસ પાંડવો સાથે જોડાયેલો છે.
મુસ્લિમ પક્ષે કહ્યું કે, બરનાવામાં એક પ્રાચીન ટેકરા પર શેખ બદરુદ્દીનનું દરગાહ અને કબ્રસ્તાન છે અને તે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડમાં નોંધાયેલ છે.
બીજી તરફ બરનાવાના લાક્ષાગૃહ સ્થિત સંસ્કૃત વિદ્યાલયના આચાર્ય અરવિંદ કુમર શાસ્ત્રીએ કહ્યું કે, આ ઐતિહાસિક ટેકરી મહાભારત કાળની લાક્ષાગ્રહ છે. વિવાદિત 108 વીઘા જમીન પર પાંડવ કાળની સુરંગ છે. દાવો કરવામાં આવ્યો છે કે, પાંડવો આ સુરંગથી જ લાક્ષાગૃહથી બચીને ભાગ્યા હતા.
ઈતિહાસકારોનો દાવો છે કે, આ જગ્યાએ મોટાભાગનું ખોદકામ થયું છે.
1952માં 4500 વર્ષ જૂના વાસણો પણ મળ્યા
ઉલ્લેખનીય છે કે, એએસઆઈની દેખરેખ હેઠળ આ સ્થળે 1952માં ખોદકામ પણ કરાયું હતું, જેમાં ઘણાં દુર્લભ અવશેષ મળ્યા હતા. અહીં ખોદકામ દરમિયાન મહાભારત કાળમાં બનાવેલા 4500 વર્ષ જૂના વાસણો પણ મળ્યા હતા. મહાભારતમાં પણ લાક્ષાગૃહની કહાનીનું વર્ણન જોવા મળે છે. દુર્યોધને પાંડવોને મારવાની યોજના બનાવી હતી. તેમણે પોતાના મંત્રીને કહી આ લાક્ષાગૃહનું નિર્માણ કરાવ્યું હતું.