અયોધ્યામાં ગુંજશે હરિહરનો સાદ, કાલથી બાપા સીતારામ અન્નક્ષેત્ર શરૂ થશે, ત્રણ ટાઈમ રામભક્તોને મળશે ભોજન
Ram Mandir Ayodhya : અયોધ્યા મંદિરમાં ભગવાન રામલલાની પ્રતિષ્ઠા થતા જ દેશભરમાંથી ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે. ત્યારે હવે રામભક્તોની સેવા માટે બગદાણા ગુરુઆશ્રમ દ્વારા બજરંગદાસ બાપાની પુણ્યતિથીએ આવતીકાલ(29મી જાન્યુઆરી)થી સરકારની ખાસ મંજૂરી સાથે અન્નક્ષેત્રનો પ્રારંભ કરાવવામાં આવશે.
બગદાણાથી 200 લોકોની ટીમ પહોંચી અયોધ્યા
બગદાણા ગુરૂઆશ્રમ સંચાલિત બાપા સીતારામ અન્નક્ષેત્રના રસોયા, સહાયકો અને સ્વયંસેવકો મળીને કુલ 200 લોકોની ટીમ અયોધ્યા પહોંચી છે. 60 દિવસ માટે ધમધમતુ રહેનાર અન્નક્ષેત્રમાં સવારે ચા અને પૌઆ, સવારે 11 થી સાંજે 4 વાગ્યા સુધી ભોજન મહાપ્રસાદ અને સાંજે 7 થી 10 કલાક સુધી ભોજન મહાપ્રસાદ પીરસાશે. જ્યારે બગદાણાની જેમ જ આખો દિવસ ચાનો પ્રસાદ અપાશે.
ભવ્ય જગ્યામાં બાપા સીતારામ અન્નક્ષેત્ર કરાયું તૈયાર
અયોધ્યામાં એક નવા વિકસાવેલા વિસ્તાર જેને નવી અયોધ્યા કહેવામાં આવે છે. ત્યાં હાઈવે પર વિશાળ જગ્યામાં બાપા સીતારામ અન્નક્ષેત્ર તૈયાર કરાયું છે. ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા તેની ખાસ મંજૂરી અપાઈ છે.