Get The App

બદલાપુરમાં તંત્રની કાર્યવાહી શરૂ, યૌન ઉત્પીડનનો વિરોધ કરનારા 300 સામે FIR, 40 લોકોની ધરપકડ

Updated: Aug 21st, 2024


Google News
Google News
Badlapur Sexual Abused case

Image: IANS



Badlapur Minor girls Sexually Abused In School: મહારાષ્ટ્રના બદલાપુરમાં બે કિંડરગાર્ટનની બાળાઓ સાથે યૌન શોષણની ઘટના બાદ હોબાળો મચી ગયો હતો. રોષે ભરાયેલા ટોળાએ રેલવે ટ્રેક જામ કરી દીધો હતો. સ્કૂલમાં તોડફોડ પણ કરી હતી. પોલીસે ટોળાને કાબુમાં લેવા લાઠીચાર્જ કર્યો હતો અને ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરવામાં આવી હતી.  હવે આ મામલે વિરોધ પ્રદર્શન કરી રહેલા 300 લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાં પોલીસે 40થી વધુ લોકોની ધરપકડ કરી છે, જેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

મધ્ય રેલવે જીઆરપીના ડીસીપી મનોજ પાટિલે કહ્યું કે, હવે સ્થિતિ સામાન્ય બની છે, રેલવે વ્યવહાર ફરી શરૂ થઈ ચૂક્યો છે. હાલ, કોઈ કલમ લાગુ નથી. જો કે, ઈન્ટરનેટ સેવાઓ થોડા દિવસ માટે બંધ રહેશે, જેથી અફવાઓ ફેલાય નહીં. પોલીસના જણાવ્યા અનુસાર, 13 ઓગસ્ટના સ્કૂલના ટોયલેટમાં બે નાની માસૂમ બાળાઓ સાથે યૌન શોષણ કરવામાં આવ્યું હતું. 16 ઓગસ્ટે એક બાળકીએ તેના માતા-પિતાને આ ઘટના અંગે જણાવ્યું ત્યારે, આ ઘટનાની જાણ થઈ હતી. આરોપી અક્ષય શિંદેની 17 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. યૌન શોષણ મામલે આરોપી અક્ષય શિંદેને કલ્યાણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ પક્ષના કાર્યકરો સાથે બદલાપુરની ઘટનાનો વિરોધ કરતાં મહારાષ્ટ્ર સરકાર સામે દેખાવો કર્યા હતા. 

જાણો સમગ્ર ઘટનાક્રમ

મંગળવારે આ ઘટના જાહેર થતાં હજારો લોકો બદલાપુર રેલવે સ્ટેશન પર એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જેના કારણે 12 એક્સપ્રેસ અને મેલ ટ્રેનોના રૂટ બદલવા પડ્યા હતા. જ્યારે 30 લોકલ ટ્રેનો આંશિક રૂપે રદ કરવામાં આવી હતી. બદલાપુરમાં પ્રદર્શન હિંસક બન્યું હતું, રોષે ભરાયેલા લોકોએ સ્કૂલ પર પથ્થરમારો અને તોડફોડ કરી હતી. બદલાપુર રેલવે સ્ટેશન નજીક એક બસને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પોલીસે નવ કલાક બાદ લાઠીચાર્જ કરી રેલવે સ્ટેશન ખાલી કરાવતાં વિરોધ પ્રદર્શન શમ્યું હતું.

પોલીસની બેદરકારી

પીડિત બાળકીઓના માતા-પિતાએ આરોપ મૂક્યો હતો કે, પોલીસે તેમની ફરિયાદ 12 કલાક બાદ નોંધી હતી. તેમજ બાળકીઓના નિવેદન લેવા શાળાએ આવનારી પોલીસે વાલીઓને ત્રણ કલાક સુધી રાહ જોવડાવી હતી. સુત્રો અનુસાર, પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, સ્કૂલમાં લગાવેલા સીસીટીવી કામ કરી રહ્યા નથી.માતા-પિતાએ આ અંગે ચિંતા વ્યક્ત કરી કે, બાળકીઓના ટોયલેટની સફાઈ માટે મહિલા કર્મચારીને કેમ રાખતા નથી. સ્કૂલ મેનેજમેન્ટે આ ઘટના બદલ પ્રિન્સિપલ, એક ક્લાસ ટીચર અને એક મહિલા અટેન્ડેન્ટને હાંકી કાઢ્યા હતા. આરોપી સફાઈ કર્મચારી અક્ષય શિંદ 1 ઓગસ્ટથી કોન્ટ્રાક્ટ આધારે નોકરી કરતો હતો.

ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા આદેશ

મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે થાણે પોલીસ કમિશનરને ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કેસની સુનાવણી માટે પ્રસ્તાવ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે આરોપીને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શાળા સામે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે અને કહ્યું કે આ મામલાની ઝડપથી તપાસ કરવામાં આવશે અને દોષિતોને બક્ષવામાં આવશે નહીં. મહારાષ્ટ્ર સરકારે આ મામલાની તપાસ માટે વરિષ્ઠ IPS અધિકારી આરતી સિંહની અધ્યક્ષતામાં SITની રચના કરવાનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્ર સરકારે આ મામલાની તપાસમાં બેદરકારી રાખવા બદલ એક વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસ અધિકારીઓને બરખાસ્ત કરવા આદેશ કર્યો છે. તેમજ ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ તૈયાર કરવામાં આવી છે.

બદલાપુરમાં તંત્રની કાર્યવાહી શરૂ, યૌન ઉત્પીડનનો વિરોધ કરનારા 300 સામે FIR, 40 લોકોની ધરપકડ 2 - image

 
Tags :
Badlapur-Sexual-Abused-caseMinor-girls-Sexually-AbusedMaharashtra-ProtestEknath-Shinde

Google News
Google News