Get The App

બદલાપુર દુષ્કર્મ કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News
Badlapur Rape Case


Badlapur Rape Case : બદલાપુર દુષ્કર્મ કેસના આરોપી અક્ષય શિંદેનું આજે સોમવારે એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે,  ત્યારે આરોપીના એન્કાઉન્ટરને લઈને વિપક્ષે સવાલો ઉઠાવ્યાં છે. જેમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું કે, 'આ એન્કાઉન્ટરની ન્યાયિક તપાસ થવી જોઈએ.' 

વિજય વડેટ્ટીવારે શું કહ્યું?

વિજય વડેટ્ટીવારે તેમના સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર લખ્યું હતું કે, 'અક્ષય શિંદેને ગોળી મારવી એ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ છે. અક્ષય શિંદેએ કઈ રીતે ગોળી મારી? શું પોલીસ કસ્ટડીમાં આરોપી અક્ષયના હાથ બાંધેલા ન હતા? તેને બંદૂક કેવી રીતે મળી? પોલીસ આટલી બેદરકાર કેવી રીતે હોઈ શકે?'

આ પણ વાંચો : આરોપીઓએ કરી આ એક ભૂલ, અને કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રની ખુલી ગઈ ગૂંચ

બદલાપુર કેસની ન્યાયિક તપાસ કરવામાં આવે...

તેમણે કહ્યું કે, 'બદલાપુર દુષ્કર્મ કેસમાં એક તરફ ભાજપ સાથે સંકળાયેલા સંસ્થાના સંચાલકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, બીજી તરફ, આજે સોમવારે આરોપી અક્ષય શિંદેએ ખુદને ગોળી મારી દીધી છે, આ ખૂબ જ ચોંકાવનાર અને શંકાસ્પદ છે. બદલાપુરની ઘટનામાં પોલીસની ભૂમિકા પર અમે પહેલાથી જ વિશ્વાસ કરતા નથી. અમે માંગ કરીએ છીએ કે, આ કેસને લઈને ન્યાયિક તપાસ કરવામાં આવે.'

મહારાષ્ટ્રના લોકો ન્યાયથી વંચિત રહે છે

જ્યારે આ મામલે શરદ પવારની પાર્ટીના સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું કે, 'બદલાપુરમાં બે સગીર છોકરીઓના દુષકર્મ કેસ મામલે મહાયુતિ સરકારનું વલણ ચોંકાવનારું છે! પહેલા FIR દાખલ કરવામાં વિલંબ અને હવે મુખ્ય આરોપીનું કસ્ટોડિમાં મર્ડર! આ કાયદાના અમલીકરણ અને ન્યાય પ્રણાલીની નિષ્ફળતા છે. આવી ઘટનાઓને કારણે મહારાષ્ટ્રના લોકો ન્યાયથી વંચિત રહે છે.'

આ પણ વાંચો : વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસ: તત્કાલીન મનપા કમિશનર વિનોદ રાવ સામે તપાસનો સુપ્રીમ કોર્ટનો આદેશ

નાના પટોલેએ શું કહ્યું?

આ મામલે મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે, 'બદલાપુરના દુષકર્મ કેસના આરોપી અક્ષય શિંદેનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયાના સમાચાર મળ્યા છે. જાણવા મળ્યું છે કે શિંદેએ પોલીસ પાસેથી બંદૂક છીનવીને તેણે પોતાના પર અને પછી પોલીસ પર ગોળી ચલાવી હતી, જેમાં પોલીસની ગોળીથી તેનું મૃત્યુ થયું. બદલાપુર કાંડમાં સ્કૂલના ટ્રસ્ટીની હજુ સુધી ધરપકડ કેમ કરવામાં આવી નથી? શું ફરાર આરોપીઓને બચાવવા માટે મુખ્ય આરોપીનું એન્કાઉન્ટર કરીને કેસનો અંત લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? શું સમગ્ર મામલાને દબાવવાના ઉચ્ચસ્તરીય પ્રયાસના ભાગરૂપે પોલીસે આરોપીઓનું એન્કાઉન્ટર કર્યું છે? આ બાબતે સત્ય બહાર લાવવા માટે હાઈકોર્ટના હાલના ન્યાયાધીશો દ્વારા તપાસ થવી જોઈએ.'


Google NewsGoogle News