પીઠ પાછળ છરી ભોંકનારા બાલા સાહેબની પરંપરા આગળ ચલાવી ન શકે : કપિલ સિબ્બલ
- શિંદે અયોધ્યા ગયા છે : ભગવાન શ્રીરામે તો સત્ય, બલિદાન અને સહિષ્ણુતાના મંત્રો જગતને આપ્યા છે
નવી દિલ્હી : પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાના સભ્ય કપિલ સિબ્બલે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની અયોધ્યા મુલાકાત સામે તેમની ઉપર ઉગ્ર પ્રહારો કરવા શરૂ કર્યા હતા. તેઓએ કહ્યું કાવતરાખોરો, તકવાદીઓ અને પીઠ પાછળ ખંજર ભોંકનારાઓ બાલાસાહેબની પરંપરા આગળ લઈ જઈ ન શકે.
ઉલ્લેખનીય છે કે શિવસેનાના નેતા એકનાથ શિંદે ગત જૂન માસમાં મુખ્યમંત્રી થયા પછી અયોધ્યાની મુલાકાતે ગયા હતા. તેઓની સાથે સેંકડો શિવ-સૈનિકો પણ જોડાયા હતા.
આ અંગે પોતાનાં ટ્વિટ ઉપર સિબ્બલે જણાવ્યું, 'શિંદે અયોધ્યામાં છે, પરંતુ ભગવાન શ્રીરામે તો બલિદાન, સત્યનો માર્ગ, સહિષ્ણુતા અને સમાનતાના મંત્રો આત્મસાત્ કર્યા હતા.' બાલા સાહેબમાં પણ તે સદ્ગુણો હતા જ. પરંતુ ષડયંત્રકારીઓ, તકવાદીઓ અને પીઠ પાછળ છરી ભોંકનારાઓ બાલાસાહેબની પરંપરા આગળ ધપાવી જ ન શકે, આવા ઉગ્ર પ્રહારો ખ્યાતનામ ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલે એકનાથ શિંદે અને તેમના સાથીએ ઉપર કર્યા હતા.
બીજી તરફ એકનાથ શિંદેએ ગઈકાલે (રવિવારે) જણાવ્યું હતું કે તેમના પક્ષ (શિવસેના) અને ભાજપના આદર્શો અને સિદ્ધાંતો સમાન જ છે, અને તેઓ આગામી ચૂંટણીમાં પણ ભગવો ઝંડો ફરકાવશે જ. અમારી ભૂમિકા બહુ સ્પષ્ટ છે. અમે ભાજપ સાથે ગઠબંધન સાધ્યું છે. અમારો આદર્શ હિન્દુત્વ છે જે (ભાજપના આદર્શ સાથે) સમાન જ છે. અમે અયોધ્યાથી નવી શક્તિ પ્રાપ્ત કરી પરત ફરીશું. ૨૦૨૪માં ભગવો સમગ્ર રાજ્યમાં ફેલાઈ જશે. તેમ અયોધ્યામાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં તેઓએ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે મહારાષ્ટ્રમાં લોકસભા તેમજ રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.