નવી મુંબઈની હોટલ, વીડિયો કૉલ અને અનમોલ બિશ્નોઈ... બાબા સિદ્દિકી મર્ડર કેસમાં મોટો ખુલાસો
Baba Siddiqui Murder Case: બાબા સિદ્દીકી મર્ડર કેસમાં મોટો ખુલાસો થયો છે. બાબા સિદ્દીકીની હત્યાના કાવતરાની છેલ્લા તબક્કાની મીટિંગ નવી મુંબઈની એક હોટલમાં થઈ હતી. આ મીટિંગમાં અનમોલ બિશ્નોઈ પણ વીડિયો કૉલ દ્વારા જોડાયો હતો. NCP નેતા બાબા સિદ્દીકી હત્યા મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. બાબા સિદ્દીકીની હત્યાની યોજના બનાવવા માટેની છેલ્લી મીટિંગ ઓગસ્ટ 2024માં નવી મુંબઈના કલંબોલીની એક હોટલમાં યોજાઈ હતી. આ મીટિંગમાં અનમોલ બિશ્નોઈ પણ પોર્ટુગલથી વીડિયો કૉલ દ્વારા જોડાયો હતો. ચાર્જશીટ પ્રમાણે આરોપી રામ કનોજિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, આ મીટિંગમાં શુભમ લોંકર, નિતિન સપ્રે, અને અન્ય આરોપીઓ પણ સામેલ હતા. મીટિંગ દરમિયાન અનમોલે સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે બાબા સિદ્દીકીની કોઈ પણ કિંમતે હત્યા થવી જોઈએ.
આરોપીના નિવેદનમાં અનેક મોટા ખુલાસા થયા
બીજી તરફ આ મામલે એક અન્ય આરોપી હરીશ કુમાર નિષાદે પણ પોતાના નિવેદનમાં ઘણા ખુલાસા કર્યા છે. ચાર્જશીટમાં નોંધાયેલા હરીશ કુમારના નિવેદન પ્રમાણે તેમને વોન્ટેડ આરોપી શુભમ લોંકરે આ હત્યાના કાવતરામાં સામેલ કર્યો હતો, જેણે ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ દ્વારા તેને 10 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. નિષાદનું માનવું હતું કે, આ રકમ તેને પુણેમાં તેના સ્ક્રેપના વ્યવસાયને વધારવામાં ઘણી મદદ કરશે. નિષાદે વધુમાં દાવો કર્યો હતો કે, વાસ્તવિક શૂટિંગ શિવા, ગુરમેલ અને ધર્મરાજ દ્વારા થવાનું હોવાથી, તેથી મેં વિચાર્યું કે હું હત્યામાં સીધો નહીં ફસાઈ જઈશ.
આ પણ વાંચો: અમેરિકામાં PM મોદીને આમંત્રણ મુદ્દે કોઈ ચર્ચા નથી થઈ: જયશંકરનો રાહુલ ગાંધીને જવાબ
હત્યા બાદ આરોપી ભાગી ગયો હતો
હત્યા બાદ આરોપી ભાગી ગયો હતો. તેને તેના ગામમાંથી આ હત્યાની જાણ થઈ હતી. કાવતરું ઘડ્યા બાદ નિષાદ પોતાની દુકાન બંધ કરીને તેના ગામ ભાગી ગયો હતો. અહીં જ તેમને બાબા સિદ્દીકીની હત્યા વિશે ખબર પડી, જેને ત્રણ શૂટરો દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો.
બીજી તરફ આરોપી હરીશ કુમારે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું છે કે, હત્યા પહેલા ફાયરિંગ કરનારાઓએ જે મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હતો તે પુણેના વારજે વિસ્તારમાંથી ખરીદ્યા હતા. હરીશ કુમારે દુકાનદારને રાહુલ કશ્યપ તરીકે ઓળખ આપીને નકલી ઓળખપત્રનો ઉપયોગ કરીને તે ખરીદ્યા હોવાની કબૂલાત કરી છે. રેકી માટે ઉપયોગ કરવામાં આવેલી બાઈક પણ પુણેથી 34,000 રૂપિયામાં ખરીદવામાં આવી હતી.