દાઉદ, સલમાન ખાન, સ્લમ પ્રોજેક્ટ....કયા કારણોસર થઈ બાબા સિદ્દિકીની હત્યા? મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આ 5 એંગલથી કરી રહી તપાસ
Baba Siddiqui Murder Case: મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા બાબા સિદ્દિકીની હત્યા બાદ દેશભરના લોકોમાં આક્રોશ છે. કેન્દ્રીય અલ્પસંખ્યક બાબતોના મંત્રી કિરેન રિજિજુએ પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. આ વચ્ચે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દરેક એંગલથી ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસ સ્લમ પ્રોજેક્ટની રાજકીય અને વ્યાપારી દુશ્મનાવટ, સલમાન સાથેની નિકટતા, દાઉદ ઈબ્રાહિમ એન્ગલ સહિતના અનેક મોરચે તપાસ કરી રહી છે. ચાલો જાણીએ એ કયા-કયા સસ્પેન્સ છે જેને મુંબઈ પોલીસ ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.
સ્લમ પ્રોજેક્ટ પર રાજકીય અને વ્યાપારી દુશ્મની
NCP નેતા બાબા સિદ્દિકીની હત્યા પર એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, એસઆરએ રિડેવલપમેન્ટનો મામલો પણ તેમની હત્યાનું કારણ હોઈ શકે છે. બાંદ્રા વિસ્તારમાં એક સ્લમનું રિડેવલપમેન્ટ થવાનું હતું. તમને જણાવી દઈએ કે, જીશાન સિદ્દિકી આનો વિરોધ કરી રહ્યો હતો. મુંબઈ પોલીસ સ્લમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના એંગલથી પણ આ હત્યાકાંડની તપાસ કરી રહી છે. બાબા સિદ્દીકીનો દીકરો આ મામલે સતત આંદોલન કરી રહ્યો છે. પોલીસ આ એંગલથી પણ તપાસ કરી રહી છે. બાંદ્રામાં આ પ્રોજેક્ટનો વિરોધ કરવા પર ખેરવંડી પોલીસે તેમનો દીકરો અને કોંગ્રેસના ધારાસભ્ય જીશાનની ઓગષ્ટમાં ધરપકડ પણ કરી હતી.
આ પણ વાંચો: બાબા સિદ્દીકીની હત્યાઃ મુંબઈના અંડરવર્લ્ડમાં બિશ્નોઈની ધમાકેદાર એન્ટ્રી
સલમાન સાથે નિકટતા પર લોરેન્સ બિશ્નોઈનો બદલો
સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સતત ધમકીઓ મળી રહી છે. હાલમાં જ તેમના ઘરે ફાયરિંગની ઘટના બની હતી જેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું હતું. અનેક વખત લોરેન્સ બિશ્નોઈની ગેંગના સભ્યોએ સલમાન ખાનને ખુલ્લેઆમ ધમકી આપી છે અને એમ પણ કહ્યું છે કે જે કોઈ પણ સલમાન ખાનની નજીક છે અમે તેની સાથે બદલો લઈશું. પોલીસ આ એંગલથી પણ તપાસ કરી રહી છે. શું આ હત્યા સલમાન ખાન સાથેની તેમની મિત્રતાના કારણે તો નથી કરવામાં આવી?
દાઉદ સાથે કનેક્શનની શંકા પર હત્યા
બાબા સિદ્દીકીની હત્યાના મામલે પોલીસ સલમાન ખાન સાથે મિત્રતા ઉપરાંત દાઉદના કનેક્શનને લઈને પણ તપાસ કરી રહી છે. પોલીસ શુભમ લોંકરની પોસ્ટના આધારે પણ તપાસ કરી રહી છે. સોશિયલ મીડિયા પર બિશ્નોઈ ગેંગ દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, ઓમ જય શ્રી રામ જય ભારત, હું જીવનનો સાર સમજું છું, હું શરીર અને સંપત્તિને ધૂળ સમજું છું. મેં જે કર્યું તે સતકર્મ હતું, જે નિભાવ્યો તે મિત્રતાનો ધર્મ હતો. સલમાન ખાન અમે આ જંગ નહોતા ઈચ્છતાં પણ તેં અમારા ભાઈને નુકસાન પહોંચાડ્યું, આજે જે બાબા સિદ્દીકીની શરાફતના પુલ બાંધવામાં આવી રહ્યા છે તે એક સમયે દાઉદ સાથે મકોકા એક્ટમાં હતો, તેના મૃત્યુનું કારણ અનુજ થાપન અને દાઉદને બોલિવૂડ, રાજનીતિ, પ્રોપર્ટી ડીલિંગ સાથે જોડવાનું હતું.
આ પણ વાંચો: બાબા સિદ્દિકીની ફૂલપ્રૂફ પ્લાનિંગ સાથે હત્યા... 25 દિવસ કરી હતી રેકી, આરોપીઓનો ઘટસ્ફોટ
શું બહારની કોઈ ગેંગ સામેલ છે?
આ તમામ એંગલ સિવાય પોલીસ આ મામલે અન્ય કોઈની સંડોવણી અંગે પણ તપાસ કરી રહી છે. પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે, સલમાન ખાન, દાઉદ અને અન્ય બાબતોમાં ફસાવીને અન્ય કોઈ ગેંગે તો આ ઘટનાને અંજામ નથી આપ્યો ને. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આ ઘટનાના મૂળ સુધી જવાનો પ્રયાસ કરી રહી છે.
હત્યા માટે હથિયાર ક્યાંથી આવ્યા?
અપરાધીઓએ શનિવારે રાત્રે વિજયાદશમીના દિવસે આ ઘટનાને અંજામ આપ્યો હતો. અપરાધીઓએ સોપારી લઈને હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે દાવો કર્યો છે કે શૂટરોએ 9.9 એમએમની પિસ્તોલથી ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ હથિયારો કુરિયર દ્વારા હુમલાખોરો સુધી પહોંચ્યા હતા.