બાબા સિદ્દિકીની ફૂલપ્રૂફ પ્લાનિંગ સાથે હત્યા... 25 દિવસ કરી હતી રેકી, આરોપીઓનો ઘટસ્ફોટ
Baba Siddique Murder: મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP - અજિત પવાર)ના કદાવર નેતા બાબા સિદ્દિકીની હત્યા કેસમાં મુંબઈ પોલીસે મોટો ઘટસ્ફોટ કર્યો છે. પૂછપરછ દરમિયાન પકડાયેલા આરોપીઓએ પોતાને કુખ્યાત બિશ્નોઈ ગેંગના સભ્યો હોવાનું જાહેર કર્યું છે. પોલીસનું કહેવું છે કે છેલ્લા 25-30 દિવસથી આ હુમલાની યોજના ઘડવામાં આવી રહી હતી. બાબા સિદ્દીકી જ્યાં રોજ અવર-જવર કરતા હતા તે વિસ્તારની આરોપીઓ સતત રેકી કરી રહ્યા હોવાની પણ જાણકારી મળી છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર બાબા સિદ્દીકીની હત્યા કરવા માટે કુલ ચાર લોકોને સોપારી આપવામાં આવી હતી. આ સોપારી અઢીથી ત્રણ લાખ રૂપિયામાં આપવામાં આવ્યા હતા.
મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચનો દાવો
મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રાઈમ બ્રાન્ચનો દાવો છે કે બાબા સિદ્દિકીની હત્યા કેસમાં ધરપકડ કરાયેલા બે આરોપીઓએ પૂછપરછ દરમિયાન બિશ્નોઈ ગેંગ સાથે સંબંધ હોવાનો દાવો કર્યો છે. ચાર પૈકી ત્રણ આરોપીઓ ઓટો રિક્ષા દ્વારા બાંદ્રા પૂર્વમાં આવેલા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે બાબા સિદ્દિકી પર ગોળીબાર કરતા પહેલા ત્રણેય ત્યાં થોડીવાર રાહ જોતા રહ્યા. પોલીસને આશંકા છે કે આરોપીઓને માહિતી આપનાર અન્ય કોઈ વ્યક્તિ તેમાં સંડોવાયેલો હોઈ શકે છે.
આ પણ વાંચો: 15 દિવસ પહેલા ધમકી મળી, Y કેટેગરીની સુરક્ષા ફેલ, બાબા સિદ્દિકીની હત્યા મામલે સરકાર ઘેરાઈ
આરોપીઓની ઓળખ જાહેર કરાઈ
ધરપકડ કરાયેલા બે આરોપીઓના નામ કરનૈલ સિંહ અને ધરમરાજ કશ્યપ છે. કરનૈલ હરિયાણાનો રહેવાસી છે. ધરમરાજ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. અન્ય એક આરોપી ફરાર છે. ત્રીજા આરોપીની શોધખોળ ચાલુ છે. પોલીસે તેને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
કેવી રીતે બની સમગ્ર ઘટના?
બાબા સિદ્દિકી સવારે 9.15 થી 9.20ની વચ્ચે ઓફિસથી નીકળ્યા હતા. ત્યારપછી તે ઓફિસ પાસે ફટાકડા ફોડી રહ્યા હતા. આ દરમિયાન જ તેમના પર ગોળીબાર કરાયો હતો. અચાનક કારમાં આવેલા ત્રણ લોકોએ બેફામ ગોળીબાર શરૂ કરી દીધો હતો. પોલીસનું કહેવું છે કે ફાયરિંગમાં 9.9 એમએમની પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. છાતીમાં ગોળી વાગતાં બાબા સિદ્દિકી ઢળી પડ્યા હતા.