બાબા સિદ્દીકીના હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસો, આરોપીઓએ ત્રણ મહિના પહેલા રચ્યું હતું ષડયંત્ર, યૂટ્યુબથી શીખ્યા ફાયરિંગ
Baba Siddique Murder Case : NCPના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીના હત્યાકાંડને લઈને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, બાબા સિદ્દીકીની હત્યાનું ષડયંત્ર ત્રણ મહિના પહેલા જ ઘડવામાં આવ્યું હતું. જેમાં ઘણી વખત આરોપીઓ બાબા સિદ્દીકીના ઘર પાસે પણ હથિયાર વગર ગયા હતા. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળેલી માહિતી મુજબ બાબા સિદ્દીકીની હત્યાનું સમગ્ર પ્લાનિંગ પૂણેમાં કરવામાં આવ્યું હતું.
કેસમાં 15 વધુ લોકોનું નિવેદન લીધું
ઘટનાને લઈને મુંબઈ ક્રાઈમ બ્રાંચે અત્યારસુધીમાં 15થી વધુ લોકોનું નિવેદન લીધા છે. બાબા સિદ્દીકી હત્યા કેસમાં પકડાયેલો ચોથો આરોપી હરીશ વચેટિયા તરીકે કામ કરતો હતો. ધરપકડ કરાયેલા આરોપી પ્રવીણ અને શુભમ લોંકરે (ફરાર આરોપી) ધરપકડ કરાયેલા શૂટર્સ ગુરમેલ સિંહ અને ધર્મરાજ કશ્યપને 2 લાખ રૂપિયા આપ્યા હતા અને આ પૈસા ચોથા આરોપી હરીશ દ્વારા મોકલવામાં આવ્યા હતા.
આરોપી યુટ્યુબ પર વીડિયો જોઈને શૂટિંગ શીખ્યા
શૂટર્સને પૈસાની સાથે બે મોબાઈલ ફોન પણ આપવામાં આવ્યા હતા. હરીશ છેલ્લા નવ વર્ષથી પુણેમાં રહેતો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આરોપીએ ચેટિંગ માટે સ્નેપ ચેટ એપનો ઉપયોગ કર્યો હતો અને કોલિંગ માટે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કર્યો હતો. આરોપી શૂટર્સ ગુરમેલ સિંહ અને ધરમરાજ કશ્યપે યુટ્યુબ પર વીડિયો જોઈને શૂટિંગ શીખ્યા હતા. આરોપીઓએ કુર્લા અને પુણેમાં બંદૂક (મેગેઝિન વગર) ચલાવવાની પ્રેક્ટિસ કરી હતી.
ત્રણ આરોપી ફરાર
મુંબઈ ક્રાઈમ બ્રાંચે અત્યારસુધીમાં ચાર આરોપીની ધરપકડ કરી છે અને હજુ ત્રણ ફરાર આરોપીની શોધખોળ શરુ છે. મુંબઈ પોલીસે જણાવ્યું છે કે, આ મામલે બ્લેક રંગનું એક બેગ મળી આવ્યું છે, તેમાંથી 7.62MM ની બંદુક મળી છે. તમને જણાવી દઈએ કે આ કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ સામે આવી રહ્યું છે. શુભમ લોંકરે જ પોતાની ફેસબુક પોસ્ટમાં બિશ્નોઈ ગેંગનું નામ લીધું હતું, ત્યારબાદ તેની શોધખોળ ચાલી રહી છે.