15 દિવસ પહેલા ધમકી મળી, Y કેટેગરીની સુરક્ષા ફેલ, બાબા સિદ્દિકીની હત્યા મામલે સરકાર ઘેરાઈ
Baba Siddique Murder: મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP - અજિત પવાર)ના નેતા બાબા સિદ્દિકીની શનિવારે (12મી ઓક્ટોબર) ગોળી મારી હત્યા થઈ હતી. મુંબઈમાં એક મોટા નેતાની જાહેરમાં હત્યા થતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં મુંબઈ પોલીસે સોપારી આપી હત્યાની આશંકા વ્યક્ત કરી છે.
'Y' કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી
ફેબ્રુઆરી 2024માં બાબા સિદ્દિકી કોંગ્રેસ છોડીને NCP (અજિત પવાર જૂથ)માં જોડાયા હતા. બાબા સિદ્દિકીને 15 દિવસ પહેલા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી, ત્યારબાદ તેમને 'Y' કેટેગરીની સુરક્ષા પણ આપવામાં આવી હતી. બાબા સિદ્દિકીની હત્યા બાદ વિપક્ષે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊઠાવ્યા છે.
આ પણ વાંચો: 5 વર્ષ 'દુશ્મન' રહેલા સલમાન અને શાહરૂખની કરાવી મિત્રતા, બાબા સિદ્દિકીની ફિલ્મી સિતારાઓ સાથે પણ હતી મિત્રતા
કોંગ્રેસના નેતા રમેશ ચેન્નીથલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે,'યુથ કોંગ્રેસના દિવસોના મારા પ્રિય મિત્રના અવસાનથી હું આઘાતમાં છું.' NCP (SP)ના નેતા શરદ પવારે કહ્યું કે, 'મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી રીતે કથળી છે તે ચિંતાજનક છે.'
રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને NCP (SP) નેતા અનિલ દેશમુખ તેમજ કોંગ્રેસના નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે આ ઘટના માટે એકનાથ શિંદે સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, 'Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવેલા નેતાને આ રીતે ગોળી મારીને હત્યા કરવામાં આવી તે ચોંકાવનારું છે.'
પોલીસે બે લોકોની કરી ધરપકડ
ઉલ્લેખનીય છે કે, શનિવારે (12મી ઓક્ટોબર) મુંબઈમાં બાબા સિદ્દિકી તેમના દીકરા જિશાન સિદ્દિકીની ઓફિસની બહાર ઊભા હતા. ત્યારે ત્રણ લોકોએ તેમના પર અચાનક ફાયરિંગ કર્યું હતું. જેમાં તેમને બે છાતી-પેટના ભાગમાં અને એક પગમાં ગોળી વાગી હતી. જ્યારબાદ ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. હાલ પોલીસે બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે અને એક આરોપી ફરાર છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે. શંકાસ્પદ આરોપીઓમાં એક ઉત્તર પ્રદેશ અને બીજો હરિયાણાનો છે. આ ઘટના બાંદ્રા ખેરવાડી સિગ્નલ નજીક બની છે. ક્રાઈમ બ્રાંચે કેસની તપાસ શરૂ કરી છે.