યુટ્યુબ પર જોઈ ફાયરિંગ શીખ્યાં, ઈન્સ્ટા પર બનાવ્યો પ્લાન... બાબા સિદ્દિકીના હત્યારાઓનો ખુલાસો
Baba Siddique Murder: NCP નેતા બાબા સિદ્દિકીની હત્યા મામલે વધુ નવા ખુલાસા થયા છે. પોલીસે દાવો કર્યો છે કે, તેમની હત્યામાં કુલ છ લોકો સામેલ હતા. જેમાં ચારની ધરપકડ કરવામાં આવી છે. ચાર ઓરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, તેઓએ યુટ્યુબ પર વીડિયો જોઈ શૂટિંગ કરતાં શીખ્યા હતાં.
વીડિયો જોઈ પિસ્તોલ ચલાવતા શીખ્યાં
પોલીસના જણાવ્યા અનુસાર, શૂટર ગુરમેલ સિંહ અને ધર્મરાજ કશ્યપે યુટ્યૂબ પર વીડિયો જોઈ શૂટિંગ કરતાં શીખ્યા હતાં. તેમને બાબા સિદ્દિકીની સોપારી આપતાં તેમની તસવીર આપવામાં આવી હતી. મુંબઈમાં મેગઝીન વિના શૂટિંગ પ્રેક્ટિસ કરતા હતાં. સિદ્દિકીને મારવા માટે ગ્લોક પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
હત્યાનું ષડયંત્ર ત્રણ મહિના પહેલાંથી
બાબાની હત્યાનું ષડયંત્ર લગભગ ત્રણ મહિના પહેલાં જ શરૂ થઈ ગયુ હતું. આરોપીઓ ઘણી વખત હથિયારો વિના તેમના ઘરે ગયા હતા. હત્યાનું પ્લાનિંગ પુણેમાં કરવામાં આવ્યું હતું. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અત્યારસુધી 15થી વધુ લોકોના નિવેદનો લીધા છે.
મીડિયા પ્લેટફોર્મ પર ચેટિંગ
ચોથો આરોપી હરિશ મધ્યસ્થી હતો, ધરપકડ થયેલા આરોપી પ્રવીણ અને શુભમે ગુરમેલ સિંહ અને ધર્મરાજ કશ્યપને રૂ. 2 લાખ આપ્યા હતા. તેમજ બે મોબાઈલ ફોન પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. બંને મોબાઈલ પર સોશિયલ મીડિયા સ્નેપચેટ અને ઈન્સ્ટાગ્રામ મારફત ચેટિંગ-કોલિંગ કરતાં હતાં. સિદ્દિકી પર ગોળી ચલાવનાર શિવકુમાર ગૌતમ ઉર્ફ શિવા હજી ફરાર છે. ચોથા આરોપીની ઓળખ મોહમ્મદ જીશાન અખ્તર તરીકે કરવામાં આવી છે.