Get The App

બાબા સિદ્દિકી હત્યા કેસમાં મુંબઈ પોલીસનો નવો ખુલાસો, પાકિસ્તાને હથિયાર મોકલ્યા હોવાની શંકા

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
Baba Siddique



Baba Siddique Murder case : NCP નેતા બાબા સિદ્દિકી મર્ડર કેસ રહસ્યમય બની રહ્યું છે અને મુંબઈ પોલીસ તેને ઉકેલવા માટે સતત પ્રયાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે સિદ્દિકીની હત્યા કરવા પાકિસ્તાનમાંથી ડ્રોન દ્વારા હથિયારો સપ્લાય કરાયા હોઇ શકે છે. મીડિયા અહેવાલ મુજબ, મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે કે શું પાકિસ્તાને ડ્રોન દ્વારા ભારતમાં બંદૂકો મોકલી છે. પોલીસને કેટલાક પુરાવા મળ્યા છે જે આ દિશામાં નિર્દેશ કરે છે અને શંકા ઊભી કરે છે. પોલીસે એ પણ ખુલાસો કર્યો છે કે હત્યામાં ત્રણ નહીં પરંતુ ચાર બંદૂકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

રાજસ્થાન પોલીસને તસવીરો મોકલાઇ

મળતી માહિતી મુજબ, રાજસ્થાન પોલીસને બંદૂકોની તસવીરો પણ મોકલવામાં આવી છે. અહેવાલ મુજબ હત્યા કેસનો મુખ્ય આરોપી જીશાન અખ્તર અન્ય તમામ આરોપીઓના સંપર્કમાં હતો અને તેણે તેમને મોટી રકમ અને કામ પૂરું થયા બાદ વિદેશ પ્રવાસનું વચન પણ આપ્યું હતું. 

આ પણ વાંચોઃ બિશ્નોઈ ગેંગ વિરુદ્ધ NIAની મોટી કાર્યવાહી, લૉરેન્સના ભાઈ પર રાખ્યું 10 લાખનું ઈનામ

પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા

પોલીસે હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા નવ આરોપીઓને શુક્રવારે મુંબઈની કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીના પોલીસ રિમાન્ડ 26 ઓક્ટોબર સુધી લંબાવ્યા છે. નવ આરોપીઓમાં ગુરમેલ બલજીત સિંહ (23), ધરમરાજ કશ્યપ (21), હરીશ કુમાર નિસાદ (26), પ્રવીણ લોંકર (30), નીતિન ગૌતમ સપ્રે (32), સંભાજી કિસન પારધી (44), પ્રદીપ દત્તુ (37), ચેતન દિલીપ પારધી અને રામ ફૂલચંદ કનોજિયા (43) સામેલ છે.

પોલીસે રિમાન્ડ લંબાવવા માંગ કરી હતી

પોલીસે કોર્ટમાં આરોપીઓના રિમાન્ડ વધુ ત્રણ દિવસ લંબાવવા માંગ કરી હતી. જો કે, કોર્ટે તેને એક દિવસ વધારીને શનિવાર (26 ઓક્ટોબર) સુધી કરી દીધો હતો. નોંધનીય છે કે, એનસીપીના નેતા બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જ્યારે તેઓ તેમના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસમાંથી બહાર જઇ રહ્યા હતા. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગે આ હત્યાકાંડની જવાબદારી લીધી છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં લૉરેન્સ બિશ્નોઈને ચૂંટણી લડવા માટે આ પાર્ટીએ કરી ઑફર, કહ્યું- ‘તમારામાં શહીદ ભગત સિંહ દેખાય છે’

14 આરોપીઓ ઝડપાયા

આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરી છે. ત્રણ આરોપીઓ હજુ ફરાર હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, હરિયાણાના રહેવાસી ગુરમેલ બલજીત સિંહ, ઉત્તર પ્રદેશના રહેવાસી ધરમરાજ કશ્યપ અને શિવકુમાર ગૌતમે બાબા સિદ્દીકી પર ગોળીબાર કર્યો હતો. જેમાંથી ગુરમેલ અને ધરમરાજની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે શિવકુમાર હજુ ફરાર છે. આ ઉપરાંત કેસના મુખ્ય આરોપી શુભમ લોનકર અને મોહમ્મદ જીશાન અખ્તર પણ ફરાર છે.


Google NewsGoogle News