બાબા સિદ્દીકી મર્ડર કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, વધુ પાંચ આરોપીની કરી ધરપકડ
Baba Siddique Murder Case : મુંબઈમાં અજીત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમ મુંબઈ પોલીસે માહિતી આપી છે. થોડા દિવસે પહેલા બાબા સિદ્દીકાના પુત્ર જીશાનના કાર્યાલય બહાર તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લીધી હતી. હત્યાની ઘટના બન્યા બાદ પોલીસે તુરંત બે આરોપીઓને પકડી લીધા હતા, ત્યારબાદ પણ અનેક ધરપકડો કરવામાં આવી છે.
આરોપીઓને પકડવા મુંબઈ પોલીસ અન્ય રાજ્યોમાં મોકલાઈ
અગાઉ ગુરુવારે મુંબઈ પોલીસે મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ સહિત ત્રણ આરોપીઓ દેશ છોડીને ભાગી ન જાય, તે માટે લુકઆઉટ સર્ક્યુલર (LOC) બહાર પાડ્યો હતો. એલઓસીમાં અન્ય બે આરોપી સહ-ષડયંત્રકાર શુભમ લોનકર અને શંકાસ્પદ હેન્ડલર મોહમ્મદ જીશાન અખ્તરનું નામ પણ સામેલ છે. અધિકારીએ કહ્યું કે, મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચની ટીમોને આરોપીઓને પકડવા માટે દેશના જુદા જુદા ભાગોમાં મોકલાઈ છે. આરોપીઓ દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ ન કરે તે માટે એલઓસી બહાર પાડવામાં આવ્યું છે.
સિદ્દીકીની હત્યા કેસમાં નવની ધરપકડ
અધિકારીએ વધુમાં કહ્યું કે, સર્ક્યુલર મુજબ આરોપીઓને પકડવા તમામ બંદરો અને એરપોર્ટને એલર્ટ પર રખાયા છે. મહારાષ્ટ્રના 66 વર્ષિય પૂર્વ મંત્રી સિદ્દીકીની 12 ઓક્ટોબરની રાત્રે મુંબઈના પોશ બાંદ્રા વિસ્તારમાં તેમના ધારાસભ્ય પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા કરાઈ હતી. પોલીસે અત્યાર સુધી નવ લોકોની ધરપકડ કરી છે, જેમાં હરિયાણાના રહેવાસી ગુરમેલ બલજીત સિંહ, હરીશકુમાર બલક્રમ નિસાદ અને સહ ષડયંત્રકાર પુણેના રહેવાસી શુભમ લોનકરના ભાઈ પ્રવીણ લોંકરનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : AAP નેતા સત્યેન્દ્ર જૈન 18 મહિના બાદ જેલમાંથી મુક્ત, દિલ્હી હાઈકોર્ટે આપ્યા શરતી જામીન