સુપ્રીમ કોર્ટે પતંજલિને ફરી લગાવી ફટકાર: બાબા રામદેવે કહ્યું- ભૂલ થઈ ગઈ, માફી માંગીએ છીએ

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
સુપ્રીમ કોર્ટે પતંજલિને ફરી લગાવી ફટકાર: બાબા રામદેવે કહ્યું- ભૂલ થઈ ગઈ, માફી માંગીએ છીએ 1 - image


Baba Ramdev: આયુર્વેદિક કંપની પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાત મામલે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. આ મામલે સુનાવણી કરી રહેલા જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે કહ્યું કે આ કેસમાં રજૂ કરવામાં આવેલા બંનેના એફિડેવિટ ક્યાં છે? તેના પર રામદેવના વકીલે કહ્યું કે બંનેએ માફી માંગી લીધી છે અને બંને કોર્ટમાં હાજર છે.

તેના પર કોર્ટે કહ્યું કે આ કોર્ટની કાર્યવાહી છે. આને હળવાશથી ન લઈ શકાય. અમે તમારી માફી સ્વીકાર ન કરી શકીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 21 નવેમ્બરના કોર્ટના આદેશ છતાં બીજા દિવસે રામદેવ, બાલકૃષ્ણ અને પતંજલિએ પ્રેસ કોન્ફરન્સ કરી. માત્ર માફી માંગવી પુરતી નથી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી અને પતંજલિની જાહેરાત છપાઈ રહી હતી. તમે બે મહિના પછી કોર્ટમાં હાજર થયા છો.

સુપ્રીમ કોર્ટે રામદેવને લગાવી ફટકાર

સુપ્રીમ કોર્ટે  કહ્યું કે, તમારો મીડિયા વિભાગ તમારાથી અલગ નથી, તમે આવું શા માટે કર્યું? તમને ગત નવેમ્બર મહિનામાં ચેતવણી આપવામાં આવી હતી તેમ છતાં તમે પ્રેસ કોન્ફરન્સ કરી. કોર્ટે કહ્યું કે, આ મામલે એક જ એફિડેવિટ દાખલ કરવામાં આવ્યું છે, જ્યારે બે એફિડેવિટ દાખલ કરવા જોઈએ. 

કોર્ટે કહ્યું કે, તમે એક્ટનું ઉલ્લંઘન કઈ રીતે કર્યું? તમે કોર્ટને બાંયધરી આપ્યા બાદ પણ ઉલ્લંઘન કર્યું. તમે પરિણામ માટે તૈયાર થઈ જજો. શું તમે એક્ટમાં ફેરફાર અંગે મિનિસ્ટ્રીનો સંપર્ક કર્યો?

બાબા રામદેવે હાથ જોડીને માગી માફી

આના પર પતંજલિએ સ્વીકાર્યું કે તેમનાથી ભૂલ થઈ છે. તેના પર કોર્ટે કહ્યું કે તમે કોર્ટની અવમાનનો જવાબ આપો. રામદેવ તરફથી વકીલાત કરી રહેલા બલબીર સિંહે કહ્યું કે અમારી માફીનામું તૈયાર છે. તો બેન્ચે પૂછ્યું કે તે રેકોર્ડમાં કેમ નથી. બલબીરે કહ્યું કે તે તૈયાર છે પરંતુ અમે ઈચ્છતા હતા કે, જરૂર પડવા પર જ જરૂરી ફેરફારો કરવામાં આવે.

ખંડપીઠે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી છતાં અખબારોમાં જાહેરાતો આપવામાં આવી રહી હતી અને તમારા અસીલ જાહેરાતોમાં  નજર આવી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે દેશની સેવા કરવાનું બહાનું ન બનાવો.

રામદેવના વકીલે કહ્યું કે ભવિષ્યમાં આવું નહીં થશે. અગાઉ થયેલી ભૂલ માટે માફી માગીએ છીએ. રામદેવે પણ કોર્ટની માફી માગી હતી. તેમણે કહ્યું કે હું આ વર્તનથી શરમ અનુભવી રહ્યો છે. અમે સમજીએ છીએ કે આ સુપ્રીમ કોર્ટનો આદેશ છે. ખંડપીઠે કહ્યું કે દેશની દરેક કોર્ટનું સન્માન કરવું જોઈએ.

કોર્ટે કહ્યું કે તમે અમારા આદેશના 24 કલાકની અંદર પ્રેસ કોન્ફરન્સ કરી. આ જાહેરખબર પ્રસિદ્ધ કરવી એ દર્શાવે છે કે કોર્ટ પ્રત્યે તમારી કેવી ભાવના છે. તેના પર રામદેવના વકીલે કહ્યું કે અમારાથી ભૂલ થઈ છે. અમે તેનાથી મોં નથી ફેરવી રહ્યા અને ન તો છુપાવી રહ્યા છે. અમે સ્વીકારીએ છીએ. અમે બિનશરતી માફી માંગીએ છીએ.

પતંજલિની પ્રોડક્ટ્સ અંગે કોર્ટ ફટકાર લગાવી ચૂકી છે 

આ અગાઉ સુપ્રીમ કોર્ટે પતંજલિની પ્રોડક્ટ્સ અંગે પણ ફટકાર લગાવી ચૂકી છે. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ એ અમાનુલ્લાહની ખંડપીઠે અગાઉના આદેશોનું પાલન ન કરવા બદલ તેમની ટીકા પણ કરી હતી. ગત વર્ષે કોર્ટે કંપનીને જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. નવેમ્બર મહિનામાં જ કોર્ટે પતંજલિને કહ્યું હતું કે જો આદેશનું પાલન નહીં કરવામાં આવે તો તપાસ બાદ કંપનીની તમામ પ્રોડક્ટ્સ પર 1-1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ પતંજલિ આયુર્વેદની જાહેરાતોને ભ્રામક ગણાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.


Google NewsGoogle News