બાબા રામદેવનું મોટું નિવેદન, ખાણી-પીણીની વસ્તુઓમાં થૂંકવા મામલે બોલ્યા- 'મુસ્લિમ ધર્મગુરુ આગળ આવે'
દેશમાં ખાણી-પીણીની વસ્તુઓમાં થૂંક અને મૂત્ર ભેળવવાના વીડિયો સામે આવવા પર વિવાદ વકરી રહ્યો છે. ત્યારે હવે યોગ ગુરુ બાબા રામદેવે પણ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, "મુસ્લિમ ધર્મગુરુઓએ આગળ આવીને બોલવું જોઈએ. આ પ્રકારની ઘટનાઓથી ઈસ્લામનો પ્રચાર નહીં પરંતુ ઈસ્લામની સાથે કુરાન પણ બદનામ થાય છે.
આજકાલ સોશિયલ મીડિયા ઉપર અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં ખોરાકની અંદર થૂંકવામાં આવતું હોય, પેશાબ ભેળવવામાં આવતો હોય એવું સ્પષ્ટ દેખાય છે. આવી ઘટનાઓનો મુસ્લિમ મુલ્લા-મૌલવીઓએ તથા ધર્મગુરુઓએ જ વિરોધ કરવો જોઈએ.
વારંવાર આ પ્રકારની ઘટનાઓ થાય છે ત્યારે આશ્ચર્ય થાય છે કે મુસ્લિમ ધર્મ ગુરુ મૌન શા માટે રહે છે. આવા વિષયોમાં આગળ આવીને આક્રમક રીતે આવી ઘટનાઓનો વિરોધ કરવો જોઈએ. આ બધા સભ્ય સમાજ માટે કલંક સમાન છે."
જણાવી દઈએ કે, યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ આજ હરિદ્વારના કનખલમાં દિવ્ય યોગ મંદિરમાં કન્યા પૂજન કર્યું અને આ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું. આ પ્રસંગે તેમણે દેશવાસીઓને વિજયાદશમીની શુભેચ્છા પાઠવી હતી.