Get The App

બાબા રામદેવને સુપ્રીમ કોર્ટનો વધુ એક ઝટકો: દંડ સહિત સર્વિસ ટેક્સમાં ભરવા પડશે કરોડો રૂપિયા

Updated: Apr 21st, 2024


Google NewsGoogle News
બાબા રામદેવને સુપ્રીમ કોર્ટનો વધુ એક ઝટકો: દંડ સહિત સર્વિસ ટેક્સમાં ભરવા પડશે કરોડો રૂપિયા 1 - image


Yoga Guru Baba Ramdev: બાબા રામદેવના પતંજલિ યોગપીઠ ટ્રસ્ટને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. કોર્ટે એપેલેટ ટ્રિબ્યુનલના નિર્ણયને માન્ય રાખ્યો હતો જેમાં ટ્રસ્ટને યોગ શિબિરોના આયોજન માટે વસૂલવામાં આવતી પ્રવેશ ફી પર સર્વિસ ટેક્સ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની ખંડપીઠે કસ્ટમ ડ્યુટી, એક્સાઈઝ ડ્યુટી અને સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (CESTAT)ની અલ્હાબાદ ખંડપીઠે 5 ઓક્ટોબર 2023ના રોજ આવેલા નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરી દીધો છે.

ખંડપીઠે ટ્રસ્ટની અપીલને ફગાવી દેતાં કહ્યું કે, ટ્રિબ્યુનલે યોગ્ય જ કહ્યું છે કે ફી વસૂલાતા શિબિરોમાં યોગ કરવું એ એક સેવા છે. અમને આ આદેશમાં હસ્તક્ષેપ કરવાનું કોઈ કારણ ન મળ્યું. તેથી આ અપીલ ફગાવી દેવામાં આવે છે. CESTAT એ પોતાના આદેશમાં કહ્યું હતું કે, પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ દ્વારા આયોજિત રહેણાંક અને બિન-રહેણાંક યોગ શિબિરોમાં સામેલ થવા માટે ફી લેવામાં આવે છે તેથી તે 'સ્વાસ્થ્ય અને ફિટનેસ સેવા'ની શ્રેણીમાં આવે છે અને તેના પર સર્વિસ ટેક્સ લાગશે.

યોગ ગુરુ રામદેવ અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણના નેતૃત્વ હેઠળ કાર્યરત આ ટ્રસ્ટ વિવિધ શિબિરોમાં યોગની તાલીમ આપતું હતું. ટ્રિબ્યુનલે પોતાના આદેશમાં કહ્યું હતું કે, સહભાગીઓ પાસેથી દાનના ભાગરૂપે યોગ શિબિરો માટે ફી એકત્ર કરવામાં આવી હતી. જો કે આ રકમ દાન તરીકે એકઠી કરવામાં આવી હતી પરંતુ આ ઉપરોક્ત સેવાઓ પૂરી પાડવા માટેની ફી જ હતી. તેથી તે ફીની વ્યાખ્યા હેઠળ આવે છે.

પતંજલિએ 4.5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે

કસ્ટમ ડ્યુટી અને સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી મેરઠ રેન્જના કમિશનરે ઓક્ટોબર 2006થી માર્ચ 2011 માટે દંડ અને વ્યાજ સહિત લગભગ 4.5 કરોડના સર્વિસ ટેક્સની માગણી કરવામાં આવી હતી. તેના જવાબમાં ટ્રસ્ટે દલીલ કરી હતી કે તેઓ એવી સેવાઓ પૂરી પાડે છે જે બીમારીઓની સારવાર માટે છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે, આ સેવાઓ 'સ્વાસ્થ્ય અને ફિટનેસ સેવાઓ' હેઠળ કરપાત્ર નથી. હવે પતંજલિએ આ 4.5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.


Google NewsGoogle News