બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ મોટી મુશ્કેલીમાં, કેરળ કોર્ટે બિન જામીનપાત્ર વૉરન્ટ ઈશ્યૂ કર્યો
Baba Ramdev News | યોગ ગુરુ બાબા રામદેવની મુશ્કેલીઓ ફરી એકવાર વધી ગઈ છે. કેરળની એક કોર્ટે તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. રામદેવ ઉપરાંત પતંજલિ યોગપીઠના પ્રમુખ આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ પણ વોરંટ જારી કરવામાં આવ્યું છે.
કોર્ટમાં સુનાવણી વખતે હાજર નહોતા રહ્યા
પલક્કડ જિલ્લા કોર્ટે બંનેની ગેરહાજરીને કારણે આ વોરંટ જારી કર્યું છે. ઉલ્લેખનીય છે કે કેરળના ડ્રગ્સ ઇન્સ્પેક્ટર દ્વારા દિવ્યા ફાર્મસી વિરુદ્ધ દાખલ કરાયેલા ફોજદારી કેસમાં તે હાજર થયા ન હતા.
શું છે મામલો?
કોર્ટે બંને સામે 15 ફેબ્રુઆરીએ હાજર થવા માટે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. અગાઉ, 1 ફેબ્રુઆરીના રોજ કોર્ટે બંને આરોપીઓ સામે જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું જેથી તેઓ કોર્ટમાં હાજર થઈ શકે. આ કેસ દિવ્ય ફાર્મસી દ્વારા પ્રકાશિત કથિત ભ્રામક મેડિકલ જાહેરાતો સાથે સંબંધિત છે, જેના પગલે કેરળ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરે કાર્યવાહી કરી હતી.
સુપ્રીમ કોર્ટે રાહત આપી હતી પણ..
ઉલ્લેખનીય છે કે યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે. તેમાં ભ્રામક જાહેરાતો, અવગણના અને ટ્રેડમાર્ક ઉલ્લંઘન જેવા કેસોનો સમાવેશ થાય છે. આ કેસોમાં સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને પતંજલિને રાહત આપી છે. જોકે, કોર્ટે તેમને ચેતવણી આપી હતી કે જો તેઓ ફરીથી કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરશે તો તેમને સજાનો સામનો કરવો પડી શકે છે.