યુવતીને જીવતી કરી દેવાનો ચમત્કાર કરવા બદલ નોંધાઈ હતી FIR, હાથરસના ભોલે બાબાની કરમ કુંડળી
Hathras Stemped: હાથરસમાં 121 લોકોના ભોગ લેનારી દુર્ઘટનાને 24 કલાકથી વધુનો સમય થઇ ગયો છે. હાથરસમાં જે સૂરજપાલ ઉર્ફે નારાયણ સાકાર હરિ (ભોલેબાબા)ના સત્સંગમાં નાસભાગથી આટલી મોટી દૂર્ધટના થઇ એ બાબા અત્યાર સુધી જાહેરમાં આવ્યો નથી તેમજ FIRમાં પણ અત્યાર સુધી તેનો નામ ઉમેરવામાં આવ્યો નથી. ફક્ત સેવકના નામનો ઉલ્લેખ કરાયો છે. આ દરમિયાન હવે બાબાના પહેલાના ગુનાઇત કૃત્યો સામે આવી રહ્યા છે. મીડિયા એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલી એક જૂની FIRની કોપીમાં બાબાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે કેસમાં વર્ષ 2000માં બાબાની એકવાર ધરપકડ પણ કરવામાં આવી હતી.
શું હતો મામલો?
કેસના પ્રત્યક્ષદર્શીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, ભોલે બાબાને કોઇ સંતાન ન હતી જેથી તેમણે કેન્સરથી પીડિત એક બાળકીને પોતાની દીકરી બનાવી હતી. વર્ષ 2000માં એક દિવસ અચાનક બાળકી બેહોશ થઇ ગઇ હતી. જે બાદ અનુયાયીઓ જીદ કરવા લાગ્યા હતા કે ભોલે બાબા બાળકીની સારવાર કરશે. અચાનક થોડી દેર બાદ બાળકી હોશમાં આવી હતી પરંતુ થોડી દેર બાદ તેનો નિધન થયો હતો. બાદમાં, બાળકીના મૃતદેહને શ્મશાન ઘાટ લઇ જવામાં આવ્યો હતો. પરંતુ ભોલે બાબાના અનુયાયીઓ જીદ પર અડી ગયા હતા કે, બાબા બાળકીને પુનર્જીવીત કરશે.
પોલીસે અનુયાયીઓ પર કર્યો હતો લાઠીચાર્જ
પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, જ્યારે આ વાતની જાણ પોલીસને થઇ હતી ત્યારે પોલીસે ઘટનાસ્થળ પર આવી અનુયાયીઓ પર લાઠી ચાર્જ કરી ચમત્કારી નિદાન એક્ટ અંતર્ગત બાબા સહિત સાત લોકોની ધરપકડ કરી હતી. પોલીસે FIR નોંધી બાબા વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી, પરંતુ સબૂતોના અભાવે કોર્ટે સૂરજપાલ બાબા સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ મુક્ત કર્યો હતો.
બાબા પર ઘણાં કેસ નોંધાઈ ચૂક્યા છેઃ પૂર્વ ડીજીપી
યુપીના પૂર્વ ડીજીપી વિક્રમ સિંહે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ભોલે બાબા દાવો કરે છે કે તે પહેલા ઇન્ટેલિજન્સમાં હતો, પોલીસમાં હતો બાદમાં તેણે વીઆરએસ લીધો હતો. તેના પર 6 કેસ નોંધાયેલા છે, જેમાં યૌન શોષણનો કેસ પણ સામેલ છે. શું વાતનો બાબા, કોણ બાબા?
તાજેતરની FIRમા ક્યા-ક્યા આરોપ
હાથરસ નાસભાગ ઘટનામાં યૂપી પોલીસે સત્સંગના આયોજકો સહિત 17 વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. આરોપ છે કે, આ કાર્યક્રમમાં 80 હજાર લોકોને જમા થવાની પરવાનગી આપવામાં આવી હતી જેના વિરૂદ્ધ અઢી લાખ લોકોએ સત્સંગમાં હાજરી આપી હતી. FIRમાં આરોપ આયોજકો વિરૂદ્ધ પરવાનગી માગતી વખતે સત્સંગમાં આવનારા ભક્તોની સાચી સંખ્યાને છુપાવવાનો, ટ્રાફિક મેનેજમેન્ટમાં મદદ નહી કરવાનો અને નાસભાગના સબૂતો છુપાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
હાથરસ દુર્ઘટનાના 17 ગુનેગાર કોણ છે?
સત્સંગ કાર્યક્રમની ડ્યુટી શીટ અનુસાર મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકર સત્સંગના પ્રભારી હતા અને તેમણે સમગ્ર કાર્યક્રમ માટે 17 સભ્યોની કોર કમિટી બનાવી હતી. જેમાં દરકને જુદી જુદી જવાબદારી સોંપવામાં આવી હતી. હાલ દેવ પ્રકાશ મધુકર તેમજ સમિતિના અન્ય બે-ત્રણ સભ્યો પણ ફરાર છે. પોલીસ માત્ર નાસભાગનું કારણ જાણવાનો પ્રયાસ નથી કરી રહી પરંતુ આ સાથે જ સમિતિમાં જે 17 સભ્યોને જવાબદારી સોંપવામાં આવી હતી તેમની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે. આ સમિતિમાં પાણીની જવાબદારી અરવિંદ તેમજ ડો. મુકેશને, પંડાલમાં લાઈટની જવાબદારી કુશવાહ જી, વાહન પાર્કિંગ એટા સાઈડની જવાબદારી મેઘ સિંહ, વાહન પાર્કિંગ અલીગઢ સાઈડની જવાબદારી સત્યભાનને, પંડાલ સેવાની જવાબદારી બચ્ચન લાલને, પંડાલ સજાવટની જવાબદારી રામૌતાર, ડોરીલાલને, સાઈકલ તેમજ મોટર સાઈકલ સ્ટેન્ડની જવાબદારી પ્રવેશ કુમારને, રંગોળી સેવા-ઓમ પ્રકાશ, પ્રસાદ પેકેટ સેવા- મુકેશ કુમાર, પ્રસાદ પેકેટ વિતરણ સેવા-વિજયપાલ સિંહ, રસોઈ વ્યવસ્થા-ચંદ્ર દેવ, ગૌરી શંકર, મીડિયા અતિથી વ્યવસ્થા- રામ પ્રકાશ, રોડ સેવા- પપ્પુ ભૈયા, ટ્રેક્ટર સેવા- સંજુ યાદવ, બ્લેક કમાન્ડો સેવા- અંકિત કુમાર, ગોપિકા વ્યવસ્થા- રજની, સ્ટેજ સજાવટની જવાબદારી ચરણસિંહને સોંપવામાં આવી હતી.
દુર્ઘટના કરી રીતે ઘટી?
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે બપોરે લગભગ 2 વાગ્યે કાર્યક્રમ બાદ જયારે બાબા બહાર આવ્યા ત્યારે બાબાના ચરણોની ધૂળ લેવા માટે તેમની કારની પાછળ ભાગી રહ્યા હતા. ભક્તોની ભારે ભીડના દબાણને કારણે નીચે નમીને બેઠેલા ભક્તો કચડાઈ જવા લાગ્યા હતા. જેના લીધે હોબાળો થયો અને દુર્ઘટના ઘટી.
કોણ છે બાબા નારાયણ સાકાર હરિ?
બાબાનું સાચું નામ સૂરજપાલ સિંહ છે. તેઓ મૂળ કાંશીરામ નગર (કાસગંજ)ના પટિયાલી ગામના રહેવાસી છે. તેઓ બાળપણમાં તેમના પિતા સાથે ખેતીકામ કરતા હતા. જ્યારે તેઓ યુવાન થયા ત્યારે તેઓ પોલીસમાં જોડાયા. રાજ્યના ડઝનબંધ પોલીસ સ્ટેશનો ઉપરાંત ઈન્ટેલિજન્સ યુનિટમાં તેમને પોસ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ 18 વર્ષની સેવા પછી તેમણે VRS લીધું હતું. તેમણે જણાવ્યું કે, તેઓ પોતાના ગામમાં એક ઝૂંપડીમાં રહે છે અને લોકોને ભગવાનની ભક્તિનો પાઠ શીખવવા માટે ઉત્તર પ્રદેશ અને નજીકના રાજ્યોમાં ફરે છે.