ચૂંટણી પહેલા ડુંગરપુર કેસમાં સપા નેતા આઝમ ખાનને સાત વર્ષની સજા, રૂ. 5 લાખનો દંડ
આઝમ ખાન સહિત ચાર આરોપીઓને સજા સંભળાવી છે
Uttar Pradesh News: લોકસભા ચૂંટણીની જાહેર થઈ ચુકી છે, આ દરમિયાન ઉત્તર પ્રદેશમાં રામપુરના ચર્ચિત ડુંગરપુર કેસમાં કોર્ટે સપાના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી આઝમ ખાનને સાત વર્ષની જેલની સજા સંભળાવી છે. એમપી એમએલએ કોર્ટના જસ્ટિસ વિજય કુમારે આઝમ ખાન, પૂર્વ સીઓ સિટી આલે હસન ખાન, પૂર્વ મ્યુનિસિપલ ચેરમેન અઝહર અહેમદ ખાન અને કોન્ટ્રાક્ટર બરકત અલી સહિત ચાર દોષિતોને સજા સંભળાવી છે. કોર્ટે આ તમામ દોષિતોને પાંચ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
કોર્ટે ત્રણ લોકોને નિર્દોષ જાહેર કર્યા
કોર્ટે આ કેસમાં ત્રણ લોકોને જિબરાન ખાન, ફરમાન ખાન અને ઓમેન્દ્ર ચૌહાણને નિર્દોષ જાહેર કર્યા છે. અગાઉ 16મી માર્ચે કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આઝમ ખાન સોમવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં હાજર થયો હતો. કોર્ટે તમામ આરોપીઓને આઈપીસીની કલમ 495, 412, 452, 504, 506, 427, 120B હેઠળ દોષિત ઠેરવ્યા છે.
શું છે ડુંગરપુર કેસ?
વર્ષ 2016માં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકાર હતી. આ દરમિયાન, વિભાગીય યોજના હેઠળ ડુંગરપુરમાં આશ્રય આવાસ બનાવવામાં આવ્યા હતા. કોર્ટમાં દાખલ કરાયેલી અરજી અનુસાર, જે જગ્યાએ આવાસ બનાવવામાં આવ્યા હતા ત્યાં પહેલાથી જ કેટલાક મકાનો બનાવવામાં આવ્યા હતા. જે મકાનો બાંધવામાં આવ્યા હતા તે સરકારી જમીન પર ગેરકાયદે બાંધવામાં આવ્યા હોવાના આધારે તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2019માં ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર આવી. પોલીસ સ્ટેશન ગંજમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ કરનારાઓમાં એક ડઝનથી વધુ લોકો હતા.
ડુંગરપુરમાં નોંધાયેલી એફઆઈઆરમાં ફરિયાદ કરવામાં આવી હતી કે, આઝમ ખાને પ્રશાસન અને સપાના કાર્યકરોની મદદથી ત્યાં પહેલાથી જ રહેતા લોકોને આશ્રય આવાસ બનાવવા માટે બળજબરીથી દૂર કર્યા હતા. અગાઉ અન્ય કોર્ટે તેને નકલી જન્મ પ્રમાણપત્ર કેસમાં સાત વર્ષની જેલની સજા સંભળાવી હતી.
મુખ્તાર અન્સારીને આજીવન કેદ
નોંધનીય છે કે, અગાઉ ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં કેદ માફિયા મુખ્તાર અંસારીને નકલી હથિયાર લાયસન્સ સંબંધિત કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. વારાણસીની એમપી-એમએલએ કોર્ટે મુખ્તાર અંસારીને 36 વર્ષ જૂના કેસમાં દોષિત ઠેરવ્યો હતો. આ મામલામાં પૂર્વ ધારાસભ્ય વિરુદ્ધ IPCની કલમ 466/120B, 420/120, 468/120 અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.