સપા નેતા આઝમ ખાનને ઝટકો, MP-MLA કોર્ટે સંભળાવી દસ વર્ષની સજા અને રૂપિયા 14 લાખનો દંડ

Updated: May 30th, 2024


Google NewsGoogle News
સપા નેતા આઝમ ખાનને ઝટકો, MP-MLA કોર્ટે સંભળાવી દસ વર્ષની સજા અને રૂપિયા 14 લાખનો દંડ 1 - image


Azam Khan Case : ઉત્તર પ્રદેશની રામપુર એમપીએમએલે કોર્ટે ચકચારી ડૂંગરપુર કેસમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે આ કેસમાં તેને 10 વર્ષની સજા અને રૂપિયા 14 લાખનો દંડ ફટકાર્યો છે. આઝમ ખાન વિરુદ્ધના રામપુરના ડૂંગરપુર કેસમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. આ કેસમાં અબરાર નામના એક વ્યક્તિએ આઝમ ખાન, નિવૃત્ત સીઓ આલે હસન ખાન અને કોન્ટ્રાક્ટર બરકત અલી સહિત ત્રણ લોકો વિરુદ્ધ છ ડિસેમ્બર-2019માં ફરિયાદ નોંધાવી હતી.

યુવકને માર્યો, ધમકી આપી, ઘર તોડી નાખ્યું

અબરારના જણાવ્યા મુજબ નિવૃત્ત સીઓ આલે હસન ખાન અને બરકત અલીએ તેની સાથે મારપીટ કરી ઘરમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં બંનેએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ લોકોએ છ ડિસેમ્બર-2016ના રોજ અબરારનું મકાન પણ તોડી પાડ્યું હતું. ત્યારબાદ આ મામલે ફરિયાદીએ 2019માં થાના ગંજમાં ફરિયાદ નોંધાવી હતી.

બરકત અલીને સાત વર્ષની સજા સંભળાવાઈ

ગઈકાલે (29મી મે)એ કોર્ટે આઝમ ખાન અને બરકત અલી કોન્ટ્રાક્ટરને દોષિત જાહેર કર્યા હતા અને ત્યાર બાદ સજા અંગેનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જોકે આજે ફરી સુનાવણી હાથ ધરાઈ એમપીએમએલએ સ્પેશિયલ કોર્ટે આઝમ ખાનને 10 વર્ષની અને બરકત અલીને સાત વર્ષની સજા સંભળાવી છે.

આઝમ ખાનની પત્નીને જામીન મળતા જેલમાંથી મુક્ત

નિવૃત્ત સીઓ આલે હસન ખાન વિરુદ્ધ હાઈકોર્ટનો સ્ટે હોવાથી તેની ફાઇલને આ કેસમાંથી અલગ કરાઈ હતી. આઝમ ખાનની પત્ની તન્ઝીન ફાતિમા ગઈકાલે જામીન મળ્યા બાદ જેલમાંથી મુક્ત થઈ હતી. આજે કોર્ટે આઝમ ખાનને 10 વર્ષની જેલની સજા ફટકારી છે.

શું છે ડુંગરપુર કેસ?

વર્ષ 2016માં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકાર હતી. આ દરમિયાન, વિભાગીય યોજના હેઠળ ડુંગરપુરમાં આશ્રય આવાસ બનાવવામાં આવ્યા હતા. કોર્ટમાં દાખલ કરાયેલી અરજી અનુસાર, જે જગ્યાએ આવાસ બનાવાયા હતા ત્યાં પહેલાથી જ કેટલાક મકાનો બનેલા હતા. જે મકાનો બનાવાયા હતા તે સરકારી જમીન પર ગેરકાયદે બાંધવામાં આવ્યા હોવાના આધારે તોડી પડાયા હતા. ત્યારબાદ વર્ષ 2019માં ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર આવી. પોલીસ સ્ટેશન ગંજમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ કરનારાઓમાં એક ડઝનથી વધુ લોકો હતા.  ડુંગરપુરમાં નોંધાયેલી એફઆઈઆરમાં ફરિયાદ કરાઈ હતી કે, આઝમ ખાને પ્રશાસન અને સપાના કાર્યકરોની મદદથી ત્યાં પહેલાથી જ રહેતા લોકોને આશ્રય આવાસ બનાવવા માટે બળજબરીથી દૂર કર્યા હતા.


Google NewsGoogle News