રાહુલ ગાંધી અને સોનિયા ઉપર આકરા પ્રહારો કરી આઝાદે રાજીનામુ આપ્યું
- ગુલામ નબીએ 2013માં રાહુલ ગાંધીએ અધ્યાદેશ ફાડી નાખ્યો હતો તે ઘટનાનો ઉલ્લેખ કરીને તેને રાહુલ ગાંધીની સૌથી મોટી બાલિશ અને અપરિપક્વ હરકત ગણાવી હતી
નવી દિલ્હી, તા. 26 ઓગષ્ટ 2022, શુક્રવાર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતા સહિત પાર્ટીના તમામ પદો પરથી રાજીનામુ આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે, ગુલામ નબી છેલ્લાં ઘણાં સમયથી પાર્ટીથી નારાજ હતા અને તેમણે સોનિયા ગાંધીને ઉદ્દેશીને 5 પાનાંનો પત્ર પણ લખ્યો છે. પત્રમાં તેમણે રાહુલ ગાંધી પર પણ ખૂબ જ પ્રહારો કર્યા છે. પત્રમાં તેમણે રાહુલ ગાંધી પર બાલિશ, છોકરમતભર્યો વ્યવહાર દાખવવાનો પણ આરોપ લગાવ્યો છે.
વધુ વાંચોઃ ગુલામ નબી આઝાદે કોંગ્રેસના તમામ પદ પરથી આપ્યું રાજીનામુ
ગુલામ નબી આઝાદે પત્રમાં બેખોફ થઈને લખ્યું છે કે, UPA-1 અને UPA-2 સમયે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં પાર્ટી સારા સ્તરે હતી. તે સફળતા પાછળ પાર્ટીના વરિષ્ઠ અને અનુભવી નેતાઓ હતા અને તેમના નિર્ણયોને માન આપવામાં આવતું હતું. પરંતુ જ્યારથી રાહુલ ગાંધીએ રાજકારણમાં પ્રવેશ કર્યો અને ખાસ કરીને જાન્યુઆરી 2013 બાદ જ્યારે તમે રાહુલને વાઈસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કર્યો ત્યારથી મંત્રણા, વિચાર-વિમર્શ માટેનું જે આખું જૂનું માળખું હતું તે તેમણે ધ્વસ્ત કરી નાખ્યું. ત્યાર બાદ તમામ વરિષ્ઠ અને અનુભવી નેતાઓને બાજુમાં ધકેલી દેવાયા અને ચાપલૂસી કરનારાઓની બિનઅનુભવી ટોળકી પાર્ટી સંભાળવા લાગી.
ગુલામ નબીએ 2013માં રાહુલ ગાંધીએ મીડિયા સામે સાર્વજનિકરૂપે સરકારી અધ્યાદેશ ફાડી નાખ્યો હતો તે ઘટનાનો ઉલ્લેખ કરીને તેને રાહુલ ગાંધીની સૌથી મોટી બાલિશ અને અપરિપક્વ હરકત ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે, તે અધ્યાદેશને કોંગ્રેસ કોર ગ્રુપના સીનિયર લીડર્સે પોતાના અનુભવોના આધાર પર તૈયાર કર્યો હતો. તેમણે કોંગ્રેસની ખરાબ હાલત અને 2014ની લોકસભા ચૂંટણીમાં હાર માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા હતા.
આ પણ વાંચોઃ સિનિયરોની એક્ઝિટ, યુવાઓને પ્રમોશન- ગાંધી પરિવારની આ બે ધારી તલવાર શું કોંગ્રેસને ફરી બેઠી કરી શકશે?
આઝાદે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કોંગ્રેસ સાથે જોડાયા તે સમયનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું હતું કે, વિદ્યાર્થી જીવન દરમિયાન તેઓ મહાત્મા ગાંધી, પંડિત જવાહર લાલ નેહરૂ, સરદાર પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, સુભાષ ચંદ્ર બોઝ અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓથી પ્રભાવિત થયા હતા. 1975-76માં તેમણે સંજય ગાંધીના આગ્રહને વશ થઈને જમ્મુ કાશ્મીર યુવા કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળ્યું હતું. તેમણે પોતે કોઈ પણ જાતના સ્વાર્થ વગર અનેક દશકાઓ સુધી પાર્ટીની સેવા કરી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ગુલામ નબીએ લખ્યું હતું કે, તેઓ પંચમઢી (1998), શિમલા (2003) અને જયપુર (2013)માં જે મંથન ચાલ્યું તેમાં સામેલ રહ્યા હતા પરંતુ ત્રણેય પ્રસંગે સલાહ-સૂચનોની અવગણના થઈ. 2014ની લોકસભા માટે જાન્યુઆરી 2013માં પાર્ટીને પુનર્જીવિત કરવા એક ડિટેઈલ્ડ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો જેને કોંગ્રેસ વર્કિંગ કમિટીની મંજૂરી મળી હતી. પરંતુ તે એક્શન પ્લાનને અભેરાઈએ ચડાવી દેવાયો.
તેમણે લખ્યું હતું કે, દેશમાં ક્યાંય પણ સંગઠનના કોઈ પણ સ્તરે ચૂંટણી નથી થઈ. સંપૂર્ણ સંગઠનાત્મક ચૂંટણી પ્રક્રિયા એક દેખાડો છે. 24 અકબર રોડ ખાતે બેસીને કોંગ્રેસ પાર્ટીને ચલાવનારી ચાટુકાર મંડળી જે યાદી તૈયાર કરે તેના પર હસ્તાક્ષર કરવા માટે આઈસીસીના ચુંટાયેલા લેફ્ટિનન્ટ્સને માત્ર મજબૂર કરાયા છે.
પત્રના અંતમાં તેમણે લખ્યું હતું કે, ઈન્દિરા ગાંધીથી શરૂ કરીને રાજીવ ગાંધી સુધી, ગાંધી પરિવાર સાથે તેમને જૂના સંબંધો છે અને તે સન્માન હજુ પણ જળવાયેલું છે. તેઓ અને તેમના કેટલાક સહયોગી તે વિચારસરણી જાળવી રાખવા માટે દૃઢ રહેશે જેના માટે તેમણે કોંગ્રેસની સત્તાવાર પરતથી બહાર રહીને પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું. વધુમાં લખ્યું હતું કે, 'ખૂબ જ અફસોસ અને ખૂબ જ ભારે હૃદય સાથે મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથેનો મારો અડધી સદી પુરાણો સંબંધ તોડવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસના નેતૃત્વએ ભારત જોડો યાત્રાના બદલે દેશભરમાં કોંગ્રેસ જોડો યાત્રા કાઢવી જોઈએ.