ફિલ્મ કલાકાર અને નેતા અયોધ્યામાં ભજવશે રામલીલા, જાણો કોણ હશે કયા પાત્રમાં

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
ફિલ્મ કલાકાર અને નેતા અયોધ્યામાં ભજવશે રામલીલા, જાણો કોણ હશે કયા પાત્રમાં 1 - image


Image Source: Twitter

લખનૌ, તા. 11 જાન્યુઆરી 2024 ગુરૂવાર

રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અંતર્ગત 17થી 22 જાન્યુઆરી સુધી અયોધ્યામાં સરયૂ કિનારે સ્થિત રામઘાટ પર સંપૂર્ણ રામલીલા ભજવાશે. જેમાં દિલ્હીથી ભાજપ સાંસદ મનોજ તિવારી પરશુરામ અને ગોરખપુરથી સાંસદ રવિ કિશન લક્ષ્મણની ભૂમિકામાં નજર આવશે. ભાગ્યશ્રી, રાજા મુરાદ, મમતા જૈન, રૂબી ચૌહાણ સહિત ફિલ્મ જગતના બીજા કલાકાર અલગ-અલગ પાત્રમાં જોવા મળશે.

રસપ્રદ એ છે કે પહેલા દિવસની કમાન દિલ્હીના શાળાના બાળકોના હાથમાં હશે. નાના-નાના બાળકો ચાર કલાકમાં સંપૂર્ણ રામલીલા ભજવશે. બાદના ચાર દિવસોમાં નેતાઓની સાથે ફિલ્મ જગતની હસ્તીઓ અભિનય કરશે.

આનું આયોજન અયોધ્યાની રામલીલા કમિટી કરાવી રહી છે. તેની રચના દિલ્હીના લોકોએ કરી છે. કમિટી દર દશેરા પર અયોધ્યામાં રામલીલા ભજવે છે. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પણ મોટા આયોજનની યોજના કમિટીએ તૈયાર કરી છે. જેમાં દરરોજ સંપૂર્ણ રામલીલા ભજવાશે. પહેલા દિવસે રાજધાનીની અલગ-અલગ સ્કુલોના બાળકો પોતાના હુનરનું પ્રદર્શન કરશે.

રામલીલામાં ફેમસ એક્ટ્રેસ ભાગ્યશ્રી (વેદમાતી), રાહુલ ભૂચર (રામ), અનિમેષ (હનુમાન), વેદ સાગર (ભારત), રાજા મુરાદ (અહિરાવણ), મમતા જૈન (સીતા), રુબી ચૌહાણ (મેઘનાથ), વિનય (કુંભકરણ), અમિતા નાંગિયા (મંદોદરી) વગેરે અભિનય કરશે.

રાવણની ભૂમિકા જાણીતા અભિનેતા મનીષ શર્મા નિભાવશે. નવી દિલ્હીમાં બુધવારે કમિટીના અધ્યક્ષ સુભાષ મલિક અને મહાસચિવ શુભમ મલિકે જણાવ્યુ કે રામલીલાની તૈયારી પૂર્ણ કરી દેવાઈ છે. તેમની કમિટીએ રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખતા રામલીલાની વિશેષ રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે.

પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કમિટીના સંરક્ષક વીરેન્દ્ર સચદેવાએ કહ્યુ કે અયોધ્યાની રામલીલા વિશ્વની સૌથી મોટી રામલીલા છે જ્યારે પશ્ચિમી દિલ્હીના સાંસદ પ્રવેશ વર્માએ કહ્યુ કે ભગવાનની જન્મભૂમિ પર તેમની લીલાથી દેશવાસીઓને જ નહીં પરંતુ સંપૂર્ણ વિશ્વના લોકો રૂબરૂ થઈ શકશે. આ દરમિયાન રામ અને સીતાની ભૂમિકા નિભાવનાર કલાકાર પણ હાજર હતા. તેમણે સંવાદ બોલીને અયોધ્યામાં થનારી રામલીલાથી અવગત કરાવ્યા.

'રામ કે થે, રામ કે હૈં, રામ કે રહેંગે' ગીતથી રામભક્ત ભક્તિમાં લીન થશે

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની વચ્ચે સાંસદ મનોજ તિવારીનું નવુ ગીત 'રામ કે થે, રામ કે હે, રામ કે રહેંગે' ભક્તિ ગીત રિલીઝ થયુ. રસપ્રદ વાત એ છે કે અત્યાર સુધી પાંચ લોકોએ આ ગીત નિહાળ્યુ છે. આ ગીત ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે.

આ ગીતને લોન્ચ કરવાના અવસરે તિવારીએ જણાવ્યુ કે આ પૂર્વાંચલ અને હરિયાણાના સંગમવાળુ ભક્તિ ગીત છે કેમ કે ગીતમાં અમિત અને શીતલે તેમનો સાથ આપ્યો છે. અમિત ઢુલેએ લખ્યુ છે કે આના સંગીતકાર આરકે ક્રૂ છે. સમગ્ર દુનિયામાં પ્રભુ રામના ભક્તોને 22 જાન્યુઆરીની આતુરતા છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને હવે લગભગ 10 દિવસ બાકી છે. આ મુદ્દે ચારેબાજુ નવા-નવા ગીતોની રચના વિભિન્ન ભાષાઓમાં કરવામાં આવી રહી છે. દરરોજ એક ગીતને પસંદ કરીને વડાપ્રધાન X પર પોસ્ટ પણ શેર કરે છે. ભગવાન રામને સમર્પિત આ ગીત સંપૂર્ણરીતે આસ્થામય છે. વીડિયોમાં ગીતના બેકગ્રાઉન્ડમાં ભગવાનની છબી આ ગીતમાં આસ્થામાં વધારો કરે છે. આ અવસરે મનોજ તિવારીએ કહ્યુ કે રામ કે હે, રામ કે થે... પર અમને ગર્વ છે. 

અમને એ વાતનો પણ ગર્વ છે કે અમે સનાતન ધર્મ અને રામચરિતમાનસની પરંપરાથી આવીએ છીએ. અમારો ધાર્મિક અને સાંસ્કૃતિક સમૃદ્ધ વારસો છે. ભગવાન રામની મહિમા અલૌકિક છે અને તેમના આગમનથી સંપૂર્ણ દેશ ખુશ છે. એવુ લાગી રહ્યુ છે કે કળયુગ સમાપ્ત થઈ રહ્યો છે.


Google NewsGoogle News