અયોધ્યા તોડશે મક્કા અને વેટિકન સિટીના તમામ રેકોર્ડ, દર વર્ષે આવશે આટલા શ્રદ્ધાળુઓ
- અયોધ્યાનું ભગવાન રામનું આ મંદિર એક વર્ષમાં 50 મિલિયનથી વધુ પ્રવાસીઓને આકર્ષિત કરશે
નવી દિલ્હી, તા. 24 જાન્યુઆરી 2024, બુધવાર
Ayodhya will break records of Mecca and Vatican City: 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સંપન્ન થયો. રામભક્તો વર્ષોથી જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા તે ઘડીનો અંત આવ્યો. ત્યારે હવે રામ મંદિર અંગે અમેરિકાના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, અયોધ્યાનું ભગવાન રામનું આ મંદિર એક વર્ષમાં 50 મિલિયનથી વધુ પ્રવાસીઓને આકર્ષિત કરશે. અમૃતસરના સ્વર્ણ મંદિરમાં દર વર્ષે અંદાજે 30-35 મિલિયન લોકો આવે છે જ્યારે તિરુપતિ મંદિરમાં 25-30 લોકો આવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વૈશ્વિક સ્તર પર વેટિકન સિટીમાં દર વર્ષે 9 મિલિયન પ્રવાસીઓ આવે છે અને સાઉદી આરબના મક્કામાં લગભગ 20 મિલિયન પ્રવાસીઓ આવે છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે, રામ મંદિર મક્કા અને વેટિકન સિટીના તમામ રેકોર્ડ તોડવા જઈ રહ્યું છે.
અયોધ્યામાં ઝડપથી થઈ રહ્યા છે વિકાસકાર્યો
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પર્યટનમાં મદદ કરવા માટે શહેરમાં એરપોર્ટનો ફેઝ 1 હવે કાર્યરત છે જેમાં 10 લાખ મુસાફરોની કાર્યકારી ક્ષમતા છે. તેને 2025 સુધીમાં 6 મિલિયન સધી વધારી દેવામાં આવશે. આ ઉપરાંત રેલવેએ પણ પોતાની ક્ષમતા બમણી કરી 60,000 યાત્રી પ્રતિદિન કરી દીધી છે. હાલમાં અયોધ્યામાં 590 રૂમવાળી લગભગ 17 હોટલ છે. 73 નવી હોટલ પાઈપલાઇનમાં છે જેમાંથી 40 પહેલેથી જ નિર્માણાધીન છે. અહીં ઈન્ડિયન હોટેલ્સ, મેરિયટ અને વિન્ડહેમ પહેલાથી જ હોટેલ્સ માટે ડીલ સાઈન કરી ચૂકી છે. બીજી તરફ ITC અયોધ્યામાં શક્યતાઓ શોધી રહી છે. OYOની યોજના અયોધ્યામાં 1,000 હોટલ રૂમ જોડવાની છે.
અયોધ્યાના વિકાસ માટે 10 બિલિયન ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો
રિપોર્ટમાં એ વાતનો પણ દાવો કરવામાં આવ્યો છે કે, રામ મંદિર ઉદ્ધાટન સમારોહ પહેલા અયોધ્યા શહેરના પુનરુત્થાન અને પુનઃવિકાસ માટે 10 બિલિયન ડોલર (લગભગ 85,000 કરોડ રૂપિયા)થી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સાથે જ વધુ ફંડ એકત્ર કરવાની પણ યોજના છે.