અયોધ્યામાં રામમંદિરના પથ્થરોની કોતરણીની કામગીરી વધુ ઝડપી બનાવાઇ
- રાજસ્થાનથી વધુ કારીગરો બોલાવાયા
- સુપ્રીમ કોર્ટમાં ઝડપી સુનાવણી હાથ ધરાતા અયોધ્યામાં હલચલ વધી
કામગીરી વધુ તેજ કરવા સંતો-સંગઠનો બેઠક કરશે
લખનૌ, તા. 18 ઓગસ્ટ, 2019, રવિવાર
સુપ્રીમ કોર્ટમાં રામમંદિર વિવાદની સુનાવણી ઝડપી થતા અયોધ્યામાં રામ મંદિર માટેના પથ્થરોની કોતરણીની કામગીરી પણ વધુ ઝડપી બનાવવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદે કારસેવકપુરમમાં રાખેલા પથ્થરોની કોતરણી સત્વરે પૂર્ણ કરવાના પ્રયત્નો શરૂ કર્યા છે. સમાચાર એજન્સી આઇ.એન.એસ.ના અહેવાલો પ્રમાણે કોતરણીની કામગીરી જલદી પૂર્ણ કરવા રાજસ્થાનથી કારીગરો બોલાવવામાં આવ્યા છે.
વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા શરદ શર્માએ નિવેદન આપતા કહ્યું છે કે સુપ્રીમ કાર્ટે રામમંદિર મુદ્દે દૈનિક ધોરણે સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કર્યો હોવાથી કોતરણીની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. આ ઉપરાંત કોતરણી માટેના કારીગરોની પણ અછત વર્તાઇ રહી હતી.
નકશીકામવાળા સ્લેબની કોતરણી માટે હાલ 10થી 132કારીગરો કાર્યરત છે. આ સ્લેબો પર વર્ષોથી ધૂળનું આવરણ જામ્યું છે. આ સ્લેબ અને પ્રસ્તાવિત મંદિરના સ્તંભો ચમકદાર બને તે માટેની કામગીરી પણ ચાલી રહી છે.
બાકીના પથ્થરોની કોતરણી માટે રાજસ્થાનથી હજુ વધુ કારીગરોને બોલાવવામાં આવશે. શરદ શર્માનું કહેવું છે કે રામમંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું 70 ટકા કામ પૂર્ણ થઇ ચૂક્યું છે.
શરદ શર્માનું કહેવું છે કે જ્યારથી સુપ્રીમ કોર્ટની સુનાવણી ઝડપી બની છે ત્યારથી રામભક્તો ઉત્સાહિત છે. મંદિર માટેના નકશીદાર સ્તંભો અને અન્ય કલાકૃતિઓની સાફસફાઇ ચાલી રહી છે. રામ જન્મભૂમિ ન્યા, વિશ્વ હિન્દુ પરિષદ અને અયોધ્યા સંત સમાજનો સભ્યો બેઠક કરી પથ્થરોની કોતરણીને વધુ ઝડપી બનાવવા અંગે ચર્ચા કરશે.