શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે 4 મહિનામાં ખરીદી 36.61 કરોડની જમીન, 57 લાખનું વિદેશી દાન મળ્યું
Ayodhya Ram Mandir: મહાકુંભના 45 દિવસમાં ત્રણ કરોડ લોકોએ રામલલ્લાના દર્શન કર્યા છે. જેમાં અયોધ્યા આવતાં શ્રદ્ધાળુઓએ ખુલ્લા દિલે ફંડ દાન કર્યું છે. જેની અસર હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર પણ જોવા મળી રહી છે. ટ્રસ્ટ ઝડપથી વિસ્તરી રહ્યું છે.
ભક્તોએ વિવિધ માધ્યમો દ્વારા 45 દિવસમાં રામ લલ્લાને રૂ. 20 કરોડનું દાન આપ્યું છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કુલ રૂ. 26.89 કરોડનું દાન મળ્યું છે. આ દરમિયાન 57 લાખ રૂપિયાનું વિદેશી દાન પણ પ્રાપ્ત થયું છે.
રામ મંદિર ટ્રસ્ટે છેલ્લા ચાર મહિનામાં 4.29 એકર જમીન ખરીદી
શ્રી રામ મંદિર ટ્રસ્ટે છેલ્લા ચાર મહિનામાં 36.61 કરોડ રૂપિયાની 4.29 એકર જમીન ખરીદી છે. અયોધ્યામાં જ હૈબતપુરમાં પાંચ જગ્યાએ આ જમીન ખરીદવામાં આવી છે. આ પૈકી એક જગ્યાએ ટ્રસ્ટે 11,194 ચોરસ ફૂટ જમીન ખરીદી છે, જ્યારે બીજી જગ્યાએ 5457 ચોરસ ફૂટ જમીન છે. આ સિવાય અન્ય ત્રણ જમીન 1701 ચોરસ ફૂટ, 3391 ચોરસ ફૂટ અને 5516 ચોરસ ફૂટની છે. આ ઉપરાંત રાણોપાલીમાં 5490 ચોરસ ફૂટની જમીન પણ ખરીદવામાં આવી છે.
મહાકુંભ દરમિયાન 57 લાખનું વિદેશી દાન મળ્યું
મહાકુંભ દરમિયાન રામ મંદિર ટ્રસ્ટને 57 લાખ રૂપિયાનું વિદેશી દાન પણ મળ્યું હતું. જાન્યુઆરી મહિનામાં, વિદેશી ભક્તોએ રૂ. 6 લાખ અને ફેબ્રુઆરીમાં રૂ. 51 લાખનું ભંડોળ રામ લલ્લાને સમર્પિત કર્યું હતું. એપ્રિલ 2023થી ફેબ્રુઆરી 2025 સુધીમાં, રામ લલ્લાને 10.43 કરોડ રૂપિયાનું વિદેશી દાન મળ્યું છે. દાન આપનારા દેશોમાં અમેરિકા, ઇંગ્લૅન્ડ, નેપાળ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, મલેશિયા વગેરે દેશોના ભક્તોનો સમાવેશ થાય છે.
તેમજ રામ મંદિરમાં આવતા ભક્તોના કારણે આસપાસના વિસ્તારમાં ધંધામાં તેજી આવી છે. અયોધ્યામાં નાના-નાના રોજગારથી પણ લોકોએ અઢળક કમાણી કરી છે. મહાકુંભ દરમિયાન અયોધ્યામાં લગભગ 2500 કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો.