અયોધ્યાની ફજેતી દૂર કરવા ભાજપનો મેગાપ્લાન, યોગીએ આ બેઠક માટે ચાર-ચાર મંત્રીઓને ઉતાર્યા
Image: IANS |
Yogi’s plan to remove the stigma of defeat in Ayodhya: અયોધ્યા લોકસભા બેઠક પર પરાજય બાદ ભાજપ હવે મિલ્કીપુર વિધાનસભા બેઠક પ્રાપ્ત કરવા અથાક પ્રયાસો કરી રહ્યું છે. હવે યોજાનારી પેટા ચૂંટણી માટે કોઈ કસર બાકી ન રાખે તેવી રણનીતિ ઘડી છે. પક્ષની પ્રતિષ્ઠાનો સવાલ છે. કારણકે, રામ મંદિર નિર્માણનું વચન પૂર્ણ કર્યા બાદ પણ લલ્લુસિંહનો પરાજય થતાંં આવેલા પરિણામોથી ભાજપ હેરાન-પરેશાન છે. અવધેશ પ્રસાદ આ બેઠક ઉપરથી વિજયી બની ધારાસભ્ય બન્યા હતા. જેમણે લલ્લુસિંહને હરાવ્યા હતા. સાંસદ બન્યા બાદ આ બેઠક ખાલી થઈ છે. જેના પર પેટા ચૂંટણી યોજાવાની છે.
પેટા ચૂંટણીની તૈયારીઓ અંગે ભાજપ સતત બેઠકો કરી રહ્યું છે. પ્રદેશ સરકારના ચાર મંત્રી અયોધ્યા પહોંચ્યા છે. કૃષિ મંત્રી સૂર્યપ્રતાપ શાહી, સંસદીય કાર્ય મંત્રી મયંકેશ્વર શરણ સિંહ, ખાદ્ય અને લોજિસ્ટિક્સ મંત્રી સતીશ શર્મા તથા રમતગમત મંત્રી ગિરિશ યાદવ અયોધ્યા પહોંચ્યા છે. પૂર્વ સાંસદ લલ્લુસિંહ સાથે ચારેય મંત્રીઓએ બેઠક યોજી હતી.
આ પણ વાંચોઃ યુપીમાં થશે નેતૃત્વ પરિવર્તન! અખિલેશ યાદવના દાવાથી ફરી રાજકારણ ગરમાયું
કૃષિ મંત્રી સૂર્યપ્રતાપ શાહીએ જણાવ્યું હતું કે, અયોધ્યાની હાર અત્યંત દુઃખજનક છે. આથી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. અમે અમારી ખામીઓ જાણી તે દૂર કરવા પ્રયાસ કરી રહ્યા છીએ. વિપક્ષે પ્રજાને સતત ગુમરાહ કર્યા છે. બંધારણ બદલવાની ખોટી અફવાઓ ફેલાવી છે. કૉંગ્રેસે 1975માં કટોકટી લાદી હતી અને આખા દેશને જેલમાં પરિવર્તિત કરી દીધો હતો. અમારા પરિવારના ત્રણ લોકો જેલમાં ગયા હતા. પ્રત્યેક પરિવારને નુકસાન થયું હતું. આ દેશ કૉંગ્રેસને ક્યારેય માફ નહીં કરે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014થી પૂર્ણ બહુમતથી સરકારનું સંચાલન કરી રહ્યા છે. 2019માં સૌથી વધુ બહુમત મેળવ્યા હતા. જો તેઓને બંધારણ બદલવું જ હોત તો તેઓ તે સમયે જ તેને બદલી શકતા હતા. પરંતુ તેમાં ફેરફાર કરવાનો ઉદ્દેશ ક્યારેય રહ્યો નથી. જ્યારે નવા સાંસદો ગૃહમાં પ્રવેશ્યા ત્યારે તેઓએ માથા પર બંધારણનું પુસ્તક રાખ્યું હતું. જો તેઓને આટલી જ બધી નિષ્ઠા અને આસ્થા છે, તો તેઓ આ પ્રકારની વાત કરી જૂઠાણું કેમ ફેલાવી રહ્યા છે.