Get The App

રામ નવમીએ બપોરે 12:16 વાગે રામલલાને થશે સૂર્યકિરણોનું તિલક, પાંચ મિનિટનો દિવ્ય નજારો સર્જાશે

Updated: Apr 16th, 2024


Google NewsGoogle News
રામ નવમીએ બપોરે 12:16 વાગે રામલલાને થશે સૂર્યકિરણોનું તિલક, પાંચ મિનિટનો દિવ્ય નજારો સર્જાશે 1 - image


Ramlala Surya Abhishek: અયોધ્યામાં રામનવમી માટે જોરશોરથી તૈયારી ચાલી રહી છે. આ દિવસે બપોરે 12:16 વાગે સૂર્યકિરણો આશરે પાંચ મિનિટ સુધી રામલલાના કપાળ પર તિલક કરશે.  આ અદભુત નજારાના શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન થાય તેના માટે અનેકવિધ તૈયારી કરાઈ રહી છે. ભક્તો આ દિવસે રામલલાના રાત્રે અગિયાર વાગ્યા સુધી દર્શન કરી શકશે. જો કે સુરક્ષા માટે મોબાઈલ જેવી વસ્તુઓ મંદિર પરિસરમાં લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે. 

ટ્રસ્ટ દ્વારા પૂરતી સુવિધાની તૈયારી

શ્રી રામ મંદિર નિર્માણ  સમિતિના અધ્યક્ષે જણાવ્યું કે ‘રામનવમીને કારણે અયોધ્યા આવતા ભક્તોમાં ભારે ઉત્સાહ છે. ભગવાનના મસ્તક પર રામનવમીના દિવસે સૂર્ય કિરણો બપોરે 12:16 કલાકથી પાંચ મિનિટ માટે અભિષેક કરશે. શ્રદ્ધાળુઓ સરળતાથી તેના દર્શન કરી શકે તેવી ટેકનિકલ વ્યવસ્થા કરાઈ છે. આ પાંચ મિનિટનો દિવ્ય નઝારો જોવા ભારે ભીડ થવાની સંભાવના છે, જેના માટે અમે સંપૂર્ણ તૈયારી કરી છે.’

સુરક્ષાના હેતુથી મોબાઈલ જેવી વસ્તુઓ મંદિરમાં લઈ જવા પર પ્રતિબંધ

જો કે આ દિવસે ભક્તોને મંદિર પરિસરમાં તેમના મોબાઈલ, મોટી બેગ જેવી વસ્તુ લઈ જવાની મંજૂરી નહીં મળે. આથી દર્શનાર્થીઓએ આવી પ્રતિબંધિત વસ્તુઓ મંદિરથી દૂર સુરક્ષિત સ્થાને રાખીને જવું પડશે.

શ્રી રામજન્મભૂમિ પ્રવેશ દ્વાર પાસે યાત્રી સુવિધા કેન્દ્ર બનાવાયા

ભક્તોને સુગમતાથી દર્શન થઈ શકે તેના માટે ચાર દિવસ વીઆઈપી દર્શન પાસ, મંગલા આરતી પાસ, શૃંગાર આરતી પાસ તેમજ શયન આરતી પાસની પદ્ધતિ બંધ રખાઈ છે. સુગરિવના કિલ્લાની નીચે, બિડલા ધર્મશાળાની સામે શ્રી રામજન્મભૂમિ પ્રવેશ દ્વાર પાસે યાત્રી સુવિધા કેન્દ્ર બનાવાયા છે, જેમાં તમામ સુવિધા ઉપલબ્ધ રહેશે. આ દિવસે રામ મંદિરમાં થનાર તમામ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ લગભગ સો જેટલા એલઈડી સ્ક્રીન પર દેખાડવામાં આવશે.


Google NewsGoogle News