અયોધ્યાઃ રામ મંદિરમાં પાણી ક્યાં અને કેવી રીતે ટપક્યું? ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવી હકીકત

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
અયોધ્યાઃ રામ મંદિરમાં પાણી ક્યાં અને કેવી રીતે ટપક્યું? ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવી હકીકત 1 - image


Water Leakage in Ayodhya Ram Temple : કરોડો હિન્દુઓના આસ્થાના કેન્દ્ર શ્રી રામ મંદિરને લઈને મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે ગઈકાલે (25 જૂન) ખુલાસો કર્યો હતો કે પહેલા જ વરસાદમાં મંદિરની છતમાંથી પાણી ટપકવાં લાગ્યું છે. હવે આ મામલે શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે તમામ હકીકત જણાવી છે. તેમણે આજે (26 જૂન) કહ્યું કે, પાણી ક્યાં અને કેવી રીતે ટપક્યું. આ સાથે તેમણે સ્પષ્ટ કહ્યું કે, મંદિર નિર્માણના કામમાં કોઈપણ બેદરકારી પણ થઈ રહી નથી અને તેમનો કોઈ ગડબડ પણ નથી. મંદિરમાં પાણી ટપકવાંનો મુદ્દો વાયુવેગે ફેલાતા ચંપત રાયે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરવી પડી છે.

રામલલાના બિરાજમાન સ્થળે એકપણ ટીપુ પાણી પડ્યું નથી : ચંપત રાય

ચંપત રાયે કહ્યું કે, જ્યાં રામલલા બિરાજમાન છે, ત્યાં વરસાદનાં પાણીનું એકપણ ટીપુ પડ્યું નથી અને મંદિરના ગર્ભગૃહ તરફના કોઈપણ રસ્તામાં પણ પ્રવેશ્યું નથી. ગર્ભગૃહની સામે પૂર્વ દિશામાં એક મંડપ છે, તેને ગુઢમણ્ડપ કહેવામાં આવે છે. અહીં મંદિરના બીજા માળ (ભોંયતળિયાથી લગભગ 60 ફૂટ ઉંચા)ની છતનું કામ પૂર્ણ થયા પછી ગુંબજને જોડવામાં આવશે અને મંડપની છત બંધ કરવામાં આવશે. આ મંડપનો વિસ્તાર 35 ફૂટ વ્યાસનો છે. જોકે હાલ મંડપને કામચલાઉ ધોરણે પહેલા માળ પર જ ઢાંકી દેવામાં આવ્યું છે.

‘હાલ બીજા માળે કામ ચાલી રહ્યું છે’

તેમણે મંદિરમાં ચાલી રહેલા કામકાજની વધુ વિગત આપતા કહ્યું કે, ‘રંગ મંડપ અને ગુઢ મંડપ વચ્ચે બંને બાજુ સીડીઓ છે. તેમની છત પણ બીજા માળે ઢાંકી દેવામાં આવશે. પથ્થરોથી બનેલા મંદિરમાં, છત પર ઇલેક્ટ્રિકલ કન્ડ્યૂટ અને જંકશન બોક્સનું કામ કરવામાં આવે છે અને છતમાં છિદ્ર બનાવીને કન્ડ્યૂટને નીચે લાવવામાં આવે છે. આનાથી ગ્રાઉન્ડ ફ્લોરમાં લાઈટિંગ પહોંચે છે. મંદિર આ કન્ડ્યૂટ અને જંકશન બોક્સ વોટર ટાઈટ હોય છે અને ઉપરના ફ્લોરિંગ દરમિયાન સપાટીમાં છુપાયેલા હોય છે. પહેલા માળે ઈલેક્ટ્રીકલ, વોટર પ્રુફીંગ અને ફ્લોરીંગનું કામ ચાલતું હોવાથી આ જંકશન બોક્સમાંથી પાણી નીચે ટપક્યું છે.’

આ પણ વાંચો : અયોધ્યાના રામ મંદિરની છતમાંથી પાણી ટપકવાં લાગ્યું! મુખ્ય પુજારીએ નિર્માણ સામે ઉઠાવ્યા સવાલ

મંદિર નિર્માણ 2025 સુધીમાં થવું અશક્ય : મુખ્ય પુજારી

આ પહેલા મુખ્ય પુજારી સત્યેન્દ્ર દાસે કહ્યું હતું કે, 'મંદિર નિર્માણ 2025 સુધીમાં થવું અશક્ય છે, છતાં આવું કહેવામાં આવી રહ્યું છે તો હું સ્વીકારી લઉં છું. જ્યાં રામલલા વિરાજમાન છે ત્યાં પહેલા જ વરસાદમાં પાણી ટપકવા લાગ્યું હતું. તેની તપાસ થવી જોઈએ. મંદિરમાં પાણી નીકળવા માટે કોઈ રસ્તો જ નથી અને ઉપરથી પાણી ટપકે છે. આ સમસ્યા ખૂબ મોટી છે અને તેનું સમાધાન થવું જ જોઈએ.' ઉલ્લેખનીય છે કે, અયોધ્યમાં 22 જાન્યુઆરી-2024ના રોજ ભગવાન રામલલાનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો. જોકે હજુ એક વર્ષ પણ પુરુ થયું નથી, ત્યારે રામ મંદિના મુખ્ય પુજારી મંદિર નિર્માણ સામે મુખ્ય પુજારીએ જ સવાલો ઉઠાવ્યા છે, ત્યારે બીજીતરફ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે પણ મુખ્ય પુજારીના નિવેદનની વળતી પ્રતિક્રિયા આપી છે.


Google NewsGoogle News